Sunday 16 December 2018

સંતાનોની ચિંતા નહિ કરવાની, ભિખારીનું ભાવી ઉજળું જ હોય , બાળકોને પણ અહેસાસ થાય ને કે બાપા એ ભીખ માંગી માંગીને ભણાવ્યા છે

વાર્તા :- “વાત ધનજી નથુની”
લેખક :-મુકેશ સોજીત્રા



                              સિદ્ધિ વિનાયક મંદિર પાસે ધનો બેઠો હતો!!! ઉમર હશે પચાસની આસપાસ !! વધી ગયેલા અને ઝીથરા જેવા વાળ!! ફાટેલા અને લઘર વઘર કપડાં ચહેરા પર એક પ્રોફેશનલ લાચારી, વાણીમાં એકદમ કરુણતા, લોકો એની ઊંચાઈ જોઇને આકર્ષાતા અને પછી એની હાલત જોઇને એવા ગળી જાય કે થોડી ઘણી ભીખ આપી દે, ધનો જ્યાં હોય ત્યાં ટોળું તો હોવાનું જ, કેટલાક તો મંદિરે જાય ત્યારે પેલાં ચારે બાજુ જોઈ લે કે પેલો ધનો આજ છે કે નહિ એ, બાળકોને પણ એ બહાને લઇ જાય મંદિરે કે હાલ્ય બેટા તને લાંબો તાડ જેવો ભિખારી બતાવું.!!!
                 બીજા કોઈ પણ ભિખારી કરતાં ધનો ખાસો એવો લાંબો સાડા સાત ફૂટ જેટલો ઉંચો હોય તો પણ નવાઈ નહિ!!
                એ સિદ્ધિ વિનાયક મંદિરે હોય તો આ રીતે ભીખ માંગે!!
              “ગણપતિ બાપા મોરિયા, બાપાકે નામ પર કુછ ના કુછ દેના માઈ, અય બડે શેઠ તું શેર બાઝારમાં બહોત કમાયા હૈ, અગર નહિ તો કમાયેગા બહોત કુછ તો દે દે મૈ કઈ દિનો સે ભૂખા હું શેઠ કુછ તો રહમ કર, તું એક રૂપિયા દેગા ગણપતિ બાપા લાખ રૂપિયા દેગા, દુઆઓમે યાદ રખૂંગા અય બહનજી આપ ફીલ્મોમે કામ કરેગી અપના પાપા કા નામ કરેગી!! યાદ રખના મુજે બહનજી કુછ તો દે દે બહનજી, ગરીબોકી  સુનોગે તો ગણપતિ આપકી સુનેગા આપકે ઘર પર રિદ્ધી ઓર સિદ્ધિ હોગી, કુછ ના કુછ દીજિયે ચાચાજી આપકા દિલ બહોત બડા હૈ ચાચાજી, ગણપતિ બાપા મોરિયા, બાપા મોરિયા રે બાપા મોરિયા રે!!!
                          અને લોકો એની આદ્રતા જોઇને કે પછી ગમે તે વશીકરણમાં આવી જાય કે જે હોય એ ધનાની આગળ નાનકડો એવો ધનનો ઢગલો થઇ જાય. સવાર અને સાંજે એનાં અલગ અલગ મુકામ હોય!! સવારે એ સિદ્ધિ વિનાયક હોય તો સાંજે મહાલક્ષ્મી હોય!! સવારે એ મુંબા દેવીના મંદિરે હોય  હોય તો વળી ક્યારેક એ હાજી અલી પણ હોય!! તહેવારોની સિઝનમાં એ ઓવર ટાઈમ પણ કરતો!! રાતે એ કોઈ પબની  કે ડિસ્કોથેક પાસે  ની પાસે પણ જોવા મળે અને ઘણી વાર આખા અઠવાડિયાની કમાણી એને એક રાતમાં પણ થઇ જતી. કે કોઈના ભવ્ય લગ્ન સમારંભ હોય ધનો એની આદતવશ ગમે ત્યાં જમાવી દે અને પોતાનો ધંધો કરી લે!!
         ધનાને રહેવાનું ધારાવીની પાસે!!  દિવસ દરમ્યાન અને ભીખ માંગતી વખતે તમે એને જોવોને તો કોઈને પણ ખ્યાલ ના આવે કે આમની પાસે બે બાઈક, નાનકડું મકાન અને જરૂરિયાતની વસ્તુઓ હશે. ભીખ એના માટે કોઈ લાચારી નહિ પણ એક પ્રોફેશન જ હતો. વળી ધનો પરણેલો પણ હતો એક દીકરી અને એક દીકરો પણ હતા. બને છોકરા ધારાવી પોલીસ સ્ટેશન પાસે આવેલી સરકારી શાળામાં ભણેલાં અને મોટો દીકરો ભીખ નહોતો માંગતો પણ છૂટક મજુરી કરી લેતો, તીન પતિ રમી લેતો બસ હવે બે એક વરસમાં ધનો એને પરણાવી પણ દેવાનો હતો.  માં દીકરી ઘરે હોય બાપ દીકરો પોત પોતાના ધંધે હોય ચાર જણાનું કુટુંબ!! આવો ધનો શા માટે ભીખ માંગવાના રવાડે ચડ્યો હશે??. એ માટે ત્રીસ વરસ પહેલાના ભૂતકાળમાં ડોકિયું કરવું પડે!!
                                         નથું વાલજીના ત્રણ સંતાનોમાં ધનજી સહુથી નાનો.. એમાં  નથુ જીવા જીવતાં હતાં ત્યાં સુધી તો ધનજીને બાર બાદશાહી હતી. નથુ જીવા કડિયા અને ધનજી એનો લાડકો પણ જેવી નથુ જીવાની ગેરહાજરી થઇ કે ધનજીને માથે રોઝડી થઇ અને એ પણ રાતા પાણીએ!! દસમાં ધોરણની પરીક્ષા પણ ધનજીને ના આપવાં દીધી અને હીરામાં બેસાડી દીધેલો!! બેય મોટા ભાઈઓ હતાં હીરામાં એટલે બાયુંની ચડામણી થી ધનજીને પેલ કાપવા બેસાડી દીધેલો બાકી ધનજીને તો ભણવું જ હતું!! ધનજી ત્યાં પણ દિલ દઈને કામ કરવા લાગ્યો. બેય ભાઈથી વધારે કામ કરે પણ મહીને પગાર થાય એટલે બગલો માછલી પકડી લે એમ પગાર બેય મોટા લઇ લે..  ધનજીને એય વાંધો નહોતો પણ બાયું બોલે એનો વાંધો પડતો.
                 “અત્યાર સુધી બાપના રાજમાં જલસા કર્યા હવે બળ પડે છે ઉઠેય દાળદરીના પેટના!!” આમ બોલીને મોટી ભાભી સવારમાં ધનજીનું  ગોદડું ખેંચે અને ધનજીનો બાટલો ફાટે પણ કાઈ બોલે નહિ. આમ તો નાનપણ થી જ લંબાઈ વધી ગયેલી એટલે ઘણાં એને ધનો તાડ કહેતા!! પ્રાથમિક શાળામાં ભણતો એટલે કોઈ રૂમમાં પંખો ખોટવાઈ કે નિશાળના ઓરડામાં આવેલા માળીયામાંથી કાઈ ઉતારવું હોય તો કોઈ પણ શિક્ષક ધનજીને બોલાવી જાય. છત સાફ કરવાની હોયને તો પણ બોલાવે ધનજીને અને ધનજી પણ તૈયાર જ હોય!! ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ગોઠવવો હોય તો ધ્વજના થાંભલા પર ધનજી વાંદરાની જેમ ચડી જાય!! ગામમાં કાઈ પણ ઊંચાઈ વાળું કામ હોય એટલે ધનજી વગર ના પતે. લગ્નનો માંડવો શણગારવો હોય, કે માંડવાની વચ્ચે ઝુમ્મર ગોઠવવા હોય વગર ખુરશીએ એ કામ ધનજી કરી બતાવે.. સાંજે ભાઈ બંધો ભેગા થાય ત્યારે કોઈ ભાઈ બંધ ટીખળ પણ કરે.
                 “ધના ગામ આખાના માંડવા શણગાર્યા છે હવે તારે માંડવામાં ક્યારે બેસવું છે?? હાથ પીળાં કરે એવી કોઈ છોકરી ગોતી કે નહિ!!??  કે પછી આખી જિંદગી જય બજરંગબલી થવું છે”
                “હવે ઈ તો ધનાએ જાતે ગોતવી પડશે બાકી ધનાના બેય ભાઈઓ છે ખીલા ઉપાડ ધનજીની વાહે લીલ પરણાવશે પણ જીવતે જીવ ધનજીને નહિ પરણાવે બોલ ચીમના મારવી છે શરત??” બટકો બોલે અને ધનજી સહીત બધાં હસી પડે. છેલ્લે ધનજી બોલે.
               “આ મારી ઊંચાઈ નડે છે બાકી પરણવું એતો મારા ડાબા હાથનો ખેલ છે અને હજુ ક્યાં યુવાની જતી રહી છે થઇ રેશે બધું તમ તમારે જલસા કરો.” અને વાત પણ સાચી જલસા જ કરતાં હતાં પેલાં!! પણ જ્યારથી નથુ જીવા ગયાં ત્યારથી જ આ સાડા સાતી બેઠી હતી. ભાઇબંધોમાં ધનજીનું માન પણ ઘણું જેવી દેવ દિવાળી આવે એટલે એની આ ટણક ટોળકી લીલી પરિક્રમામાં ઉપડે અને એ પણ રેલ ગાડીમાં અને હવે રેલ ગાડી એ વખતે હોય ફૂલ એટલે ધનજી વાપરે આઈડિયા પેલાં એનાં બધાં ભાઈબંધ ચડી જાય અને પછી એક હાથમાં કાળી લાકડી, કાળો કોટ, અને સફેદ શર્ટ પેન્ટમાં ધનજી ચડે!! ટ્રેઈનમાં ચડીને એક બે જણા ને પેલી લાકડી ફટકારે અને બોલવા માંડે.
                “ચલ તું યહા કયું ખડા હૈ, યહ ઉપર કોન સુતા હૈ ,સાલે કો જગાવ એઈ બૂઢીયા આગે ચલ”આમ કહીને ધનો અદલ ટીટી ના રોલમાં આવી જાય અને થોડી વારમાં જ બધાં ભાઈ બંધને બેસાડીને પોતે પણ બેસી જાય. પછી બધાને ખબર પડે કે આ કાઈ ટીટી નોતો એટલે ઘણાં ખીજાય અને ઘણાં દાંત કાઢે અને બધાં થાય જુનાગઢ ભેળાં. એક વખત જુનાગઢના રેલવે સ્ટેશન પર બધાં પરિક્રમા કરીને બેઠા હતાં ને ભાઈબંધ ભાઈ બંધ વચ્ચે શરત લાગી પ્લેટફોર્મ પર એક એક્ષ્પ્રેસ  ગાડી ઉભી હતી અને ધનજીની ટ્રેન ને આવવાની વાર  હતી ને એકે કીધું.
            “ધનજી તું આ ગાડીમાંથી ૫૦ રૂપિયા ભીખ માંગી આવને તો સો રૂપિયા આપું” અને ધનજી થઇ ગયો તૈયાર. પહેર્યા કાળા ચશ્માં અને બની ગયો સુરદાસ!! અસલ સુરદાસ જ જોઈ લ્યો. અને પછી ચડ્યો જનરલ ડબ્બામાં અને શરુ કરી ભીખ!!
          “અલ્લાહ કે નામ પર દે દે બાબા, ભગવાન કે નામ પર દે દે બાબા. રામાપીર કે નામ પર દેદે બાબા,ઝૂલે લાલ કે નામ પર દે દે બાબા સુરદાસ કી કોઈ તો સુનો હમ તો અંધે હૈ આપ તો નેકી કે બંદે હૈ!! આપકા બહોત અચ્છા હોગા કોઈ તો અંધે કી લાકડી બનોગે બાબા !! સાઈકે નામ પર કુછ દેદે બાબા”
                               ગાડીમાં બેઠેલા બધાને દયા આવી અમુક સ્ત્રીઓને તો આંખમાં ઝળઝળીયા પણ આવી ગયાં કે કેવો રૂડો રૂપાળો છોકરો પણ સુરદાસ છે એટલે અડધીજ કલાકમાં રૂપિયા ૫૦ ની જગ્યાએ ધનજી ૫૦૦ લઈને નીચે ઉતર્યો અને ભાઈ બંધ સામું જોતા રહી ગયાં. અને ધનજી શરતમાં ૧૦૦ રૂપિયા જીતી ગયેલો હવે આ વાતની ગામમાં પડી ખબર અને સાંજે મોટો ખીજાણો.
                   “હરામખોર આવા ધંધા કર્ય છો, ગામમાં આપણી આબરૂ શું?? ,જિંદગીભર ભીખ જ માંગશો ભીખ!! કોઈ બાપોય કન્યા નહિ દે. કમાતા બળ પડે છે”
              “મોટાભાઈ તમારા બેય કરતાં વધારે પગાર લાવું છું, મફતનું નથી ખાતો અને પગાર બધો તમે જ લઇ જાવ છો એટલાં થોડાં માપમાં રહો”
              “તે અત્યાર સુધી રોટલાં તોડ્યા એનું શું,??  આ તો વરસ દિવસથી કમાવા શીખ્યા એમાં સામું બોલે છે અસલ એની માની જેવી જ જીભ છે કુહાડે કાપ્યા જેવી “મોટી ભાભી બોલી કે ધનો વિફર્યો.
             “ભાભી અમે બેય ભાઈ સમજી લેશું તમે વચ્ચે બોલો નહિ ને મારી મા સામે ના જાવ તમે. એણે તમારું કાઈ બગાડ્યું નથી અને હવે એ આ દુનિયામાં છે પણ નહિ”
             “તારી ભાભી સામું બોલ છો ,શરમ નથી આવતી તને” એમ કહીને મોટા એ એક અડબોથ ધનાને વળગાડી.
              “એ આપણી બાનું વાંકુ બોલે ઈ તમે હું સહન ના કરું તમે એનાં ગુલામ હશો હું નહિ” ધનજી હજુ બોલવા જતો હતો ત્યાંજ મોટા એ બીજી બે વળગાડી.
           “ભાઈ હવે બહું થયું , બાયડી સામે હોય એટલે બહાદૂરી બતાવવાનું બંધ કરો તો સારી વાત છે, બાકી હાથ તો અમારો પણ ઉપડે હો” ધનજી બોલ્યો ત્યાં વચલો કુદ્યો અને એ પાસે આવ્યો કે તરત જ ધનજીનો વરસો જુનો જવાળામુખી ફાટ્યો તે બેય ભાઈને લમધારી નાંખ્યા ઢીંકે અને પાટે અને ભાભીએ ગામ ગજવ્યું રોઈ રોઈને અને પછી માણસ થયું ભેળું. અને છેલ્લે ધનજીએ ગામ છોડ્યું અને કહેતો ગયો કે મારા બાપ નથું જીવાના સોગંદ આ ધનો હવે ભીખ માંગીને બાદશાહી ભોગવશે અને એ રાતની ગાડીમાં ધનજી ચડી ગયેલો પહેરેલ લુગડે!! ઘરેથી એક પણ પૈસો લીધા વગર જ તો!!!
                   ગાડી ક્યાં જાય છે એ પણ એને ખબર જ નહિ એતો ગાડીમાં ચડીને સુઈ ગયો ને સવાર પડી ને જોયું તો સુરત આવેલું.. એ ત્યાં ઉતર્યો કકડીને ભૂખ લાગી હતી. ખીસ્સામાંથી કાઢ્યા કાળા ચશ્માં અને સામે એક બીજી  ગાડી પડી હતી અને એમાં એ ચડ્યો અને અડધી જ કલાકમાં એ દોઢસો રૂપિયા લઈને નીચે ઉતરી ગયો અને પછી એ આમ જ ભીખ માંગીને મુંબઈ પહોંચી ગયો!! અને ઉતર્યો દાદર સ્ટેશને આજુબાજુ રખડ્યો. કાળા ચશ્માં પહેરી રાખે અને ભીખ માંગે પછી તો એ બીજા ભિખારીના સંપર્કમાં આવ્યો નવ સુધી ભણેલો એટલે બુદ્ધિ તો હતીજ અને એમાં જમાનાની ક્રિએટીવીટી ભળી એટલે પોતાનો ધંધો પુર બહારમાં ચાલી નીકળ્યો. રહેવામાં તો બહું તકલીફ ના પડી રાતે સુઈ રહે સ્ટેશન પર!! કાળા ચશ્માં લગાવેલા જ હોય કોઈ હવાલદાર આવેને ઘુસ્તાવે એટલે સુરદાસનો ઢોંગ કરે ને પેલો પછી સુવા દે!! જે પૈસા આવે એ વાપરતો જાય. પૈસા વધી જાય તો એક બે દિવસ અપ ટુ ડેટ થઇ ને ફરી આવે. વળી ખૂટે એટલે ભીખ માંગવાનું શરુ કરી દે!! પૈસો આવે એટલે વાપરી નાંખે!! જિંદગી ચાલવા લાગી!! ધંધો ફાવી ગયો!!
                        એક દિવસ રવિવારે ધનજી  ધારાવીની ઝૂપડપટ્ટી બાજુ જઈ ચડ્યો, આમ કહેવાય ઝૂપડપટ્ટી પણ જેમ તમે અંદર જાવ એમ તમને ક્યાંક ક્યાંક કીમતી બાઈક પણ જોવા મળે, ગલીઓ સાંકડી તમામ સ્પેરપાર્ટસ પણ વેચાતા મળે એક આખી અલગ વસાહત જ જોઈ લ્યો. બધાજ પ્રકારના ધંધા આ ઝૂપડપટ્ટીમાં તમને જોવા મળે!!! સાયન અને માહિમ બે રેલવે સ્ટેશન પરથી રોજ અંદાજે સાતથી આઠ લોકો ધારાવીની ઝૂપડપટ્ટીમાં અવર જવર કરે છે!! ગેરકાયદેસર કામની સાથોસાથ અહી ઘણાં ગૃહ ઉદ્યોગો પણ છે. અહી તમને કચરા વીણવા વાળા થી લઈને કપડાં બનાવવા વાળા પણ મળી રહે છે!! ગમે તેવી બાઈક ને ઓગાળીને તેનો સ્પેર પાર્ટ વેચવા વાળા પણ મળી જાય, તૈયાર ખોરાકના નાના નાના પાર્સલથી માંડીને બંગડીઓ બનાવવાનાં ઉદ્યોગો પણ ચાલે  આશરે ૨૭૦ એકરમાં ફેલાયેલી આ વસ્તી નામ એનું ધારાવી!! મીઠી નદીના કિનારે આવેલ એક નાનકડી ઓરડી પાસે એક ટોળું જોયું અને ધનજી જઈ ચડ્યો અને જોયું તો ચાર પાસ ટપોરી ઘરમાંથી માલ સામાન બહાર કાઢતા હતાં અને એક યુવાન સ્ત્રી સાથે આઠ વરસનો એક છોકરો રોતા કકળતા બેઠા હતાં!! ટોળું ઉભું હતું કોઈ બાઈની દયા ખાતું હતું પણ કોઈની હિંમત નહોતી કે કોઈ પેલાં ટપોરીઓને રોકે, પણ અંદરો અંદર વાત શરુ હતી.
                  “લાલા શેઠ કે આદમી હૈ, ઇસ બાઈકા શૌહર લાલા શેઠ કે યહા કામ કરતાં થા ૪૦૦૦ રૂપિયા લિયા થા સુદ પે,ઓર વો સાલા રેલવે સ્ટેશન પર વો છમ્મક છલ્લો બૈઠતી થીના ગજરા ઔર ફૂલ લેકે ઉસકે સાથ પરસો રાત ભાગ ગયાં, તો લાલા તો અપને બાપસે ભી પૈસા લેતા હૈ તો યહ ઓરત કો થોડાં છોડેગા યહ મકાન લાલા લેકે હી રહેગા” એક પાતળા એવા યુવાને વાત કરી.
             “લેકિન યહ બાઈ કા કસુર બેચારી કહા જાયેગી યહ બમ્બઈ ઉસ કો નોંચ ખાયેગી,અગર પૈસા નહિ મિલા તો લાલા ઉસકો કમાઠીપુરામેં બેચ હી ડાલેગા” બીજો એક બોલ્યો વિમલ ખાતો ખાતો.
                 “લાલા ઐસા નહિ કરેગા, લાલા ચાહે જો ભી કરતાં હૈ,વો કભી ખૂન કી દલાલી નહિ કરતાં ભીડુ, મૈ તો છોટા સા થા તબસે લાલા કો જાનતા હું, લાલા ગણપતિ કા ભકત હૈ, હા ઇધર ઉધર કા ધંધા કર લેતા હૈ લેકિન અબ તક ઉન્હોને કભી ઐસા કિયા નહિ હૈ” એક વૃદ્ધ બિહારીએ જવાબ આપ્યો.
             “એઈ રુક જા લાલા કો બોલ કે આ પૈસા લે જાય તબ તક મૈ યહા ખડા હું” ધનજી એ એક ટપોરીનો કાંઠલો પકડ્યો,બીજો આવ્યો એને પણ બીજા હાથથી પકડ્યો. બને એ ધમપછાડા કર્યા પણ કાઠીયાવાડી હાથ એટલે સીઘરામાં પાઈપ પકડ્યો હોય એમ પકડી લીધેલો હાથ જરાક પણ વછુટ્યો  નહિ બે જણા દોડતાં દોડતાં અને બબડતા બબડતા ગયાં, દસ જ મીનીટમાં એક હુડ વગરની જીપ આવી. જીપની આગળ “લશ્કરે શીવોબા” લખેલું હતું અને એક વધી ગયેલ ફાંદ વાળો, ખૈની ખાઈ ખાઈને પીળા પડી ગયેલાં દાંત ટ્રીપલ એક્ષ એલ નું ટી શર્ટ પહેર્યું હોવા છતાં આખું પેટ ઢંકાતું નહોતું એવો એક કદાવર જીપમાંથી ઉતર્યો.
                 “તુને રોકા લડકે કો,?? તેરેકુ મરના હૈ ક્યાં?? યહ ચીકુ યહ કોઈ નઈ ચીડિયા આઈ હૈ અપને એરિયામાં મેં તો તુરંત હી પહચાન ગયાથા, પુલીસમેં તો નહિ હૈને તું??? પહલે બતા દીજીએગા વરના માર ખાને કે બાદ પતા ચલે કો યહ તો સાલા પુલીસવાળા નિકલા તો લફડા હો જાયેગા ફિર ભાઉ સાહબ કો ફોન કરના પડેગા,!!! પહચાનતા હૈ ના ભાઉ સાહબ કો??  વો ડોંગરી કા દાદા!! ભાંડુપવાલા અપના ભાઉ સાહબ!!! ચલ એય ચિકને રાસ્તા નાપ ચલ ફૂટ યહાંસે” લાલાએ આદતવશ પોતાનું એક ભાષણ આપ્યું. આજુ બાજુ વાળા જોઈ રહ્યા પણ ધનજીની મુખની રેખા પણ ના બદલાઈ.
              “તેરા કિતના પૈસા બાકી હૈ ઇસ ઓરત સે,વો મેં તુજે દુંગા” ધનજી બોલ્યો.
          “ઐસા હૈ તો ફિર બોલના ચાહીયેના ખાલી ખોટા બબાલ હમકો ભી નહિ મંગતા, ચલ લા ચાર હજાર નિકાલ” લાલો પણ હવે આ મેટર આગળ વધારવા નહોતો માંગતો. ધનજીની હિંમત ને એ મનમાં મનમાં ને દાદ આપતો હતો. ધનજીએ  પૈસા ગણી ને આપી દીધાં. અને ટોળું વિખરાઈ ગયું. તે એક ખુરશી પર બેઠો પેલો છોકરો ધનજીની સામે હસ્યો અને પાસે આવ્યો. બસ પછી ધનજી ત્યાં રોકાઈ ગયો. મુંબઈમાં તેને આશરો મળી ગયો અને તે રાતે બને જણાએ પોત પોતાની કહાની કીધી.
                      નામ એનું રમાબાઈ હતું. સતારાની હતી. પિતાને સારી એવી જમીન હતી બાર ધોરણ સુધી ભણેલી અને રિક્ષા વાળા સાથે પ્રેમ થઇ ગયો, બને ભાગીને નાગપુર જતાં રહેલા વરસ દિવસ સુધી ત્યાં રહીને પછી મુંબઈ આવ્યા, અહી આવીને આ છોકરાનો જન્મ થયો. નામ પાડ્યું ગણપત !! એનો પતિ દીનાનાથ ને હવે શરાબની લત લાગી ગઈ હતી. એ લાલાની સાથે કામ કરતો. એની પાસે ક્યારેક પુષ્કળ પૈસો લાવતો પણ બધું એ બારમાં ઉડાવી દેતો એમાં સાયન રેલવે સ્ટેશન પર એક ફૂલ વેચવા વાળી સાથે પ્રેમ થઇ ગયો તે ઘરમાંથી રમાબાઈ ના બધાં પૈસા લઈને તે નાસી ગયો હતો, રમાબાઈ પણ ઘરે સીવવાનું કામ કરતી હતી. ધનજીએ પોતાની વાત કીધી અને એ પછી બહાર સુઈ ગયો. પછી તો એ સવારે નીકળી જાય ભીખ માંગીને સાંજે આવે સાંજે એ ગણપત સાથે રમે અને ખાઈને બહાર સુઈ જાય. છ માસ સુધી આવું ચાલ્યું પછી આજુબાજુ થોડો થોડો ચણભણાટ લાગ્યો. જે રીતે લાલાની સામે હિમત બતાવી હતી ધનજીએ એટલે લોકો એની સામે મોઢે ચડીને વાત તો ના કરતાં પણ પાછળથી વાત કરતાં હતાં. છ માસ પછી ગણપતિ ઉત્સવ આવ્યો અને રમાબાઈ અને ધનજી પરણી ગયાં આજુબાજુઓના લોકો જે વાતો કરતાં હતાં તેઓ આ લગ્નમાં મન મુકીને નાચ્યા. આજુબાજુ સારા એવા વિસ્તારમાં ધનજીની એક પ્રકારની આબરૂ બંધાઈ ગઈ હતી.રમાબાઈનું સીવવાનું કામ શરુ હતું. બે વરસ બાદ એક દીકરીનો જન્મ થયો. નામ પાડ્યું તાન્યા. હવે ધનજી થોડો ગંભીર બન્યો. પૈસા બચાવવાનું શરુ કર્યું. ગણપત ધોરણ ત્રીજામાં ભણતો હતો. સમય વીતતો ચાલ્યો. રમાબાઈએ એક બે વખત કોશિશ કરી જોઈ કે
              “ભીખ માંગવાનું બંધ કરીને બીજો કોઈ ધંધો કરી લોને હવે આપણી પાસે પૈસો પણ છે અને ગમે ઈ ધંધો કરો તમને સફળતા તો મળવાની જ છે ને તમારામાં આવડત પણ છે” રમાબાઈ બોલી.
              “જેને કારણે ગામ મુક્યું ,કુટુંબ મુક્યું એ વ્યવસાય છોડી ના શકું , કોઈ પણ વ્યવસાય જે તમારું પેટ ભરી શકે એને હું ખરાબ ગણતો નથી, તને જો નાનમ આવતી હોય તો એ તારે પહેલાં વિચારવું જોઈએ.મેં તને એકડે એક થી બધી જ વાત કરી હતી” શિવાજી બીડી પીતાં પીતાં ધનજીએ હવામાં ધુમાડાનો ગોટો કાઢ્યો.
              “એવું નથી પણ હવે સંતાનો મોટા થાય છે ને એટલે કહું છું બાકી મને તમારા વિષે જરાય નાનમ કે ક્ષોભ નથી “ રમાબાઈના શબ્દોમાં પોતાના પતિ તરફ અહોભાવ વ્યકત થયો.
              “સંતાનોની ચિંતા નહિ કરવાની આમેય એનું ભાવી તો ઉજળું જ છે ને, ભિખારીનું ભાવી ઉજળું જ હોય ને કારણકે આનાથી નીચેની કેડર આવતી જ નથી અને બાળકોને પણ અહેસાસ થાય ને કે બાપા એ ભીખ માંગી માંગીને ભણાવ્યા છે અને આતો ધારાવીના બાળકો, સમજણ શક્તિ અને સહન શક્તિ તો એને ગળથુથીમાં જ મળે છે ગળથુથીમાં!! દુનિયામાં ગમે ત્યાં માર્ગ કરી લેશે મારા બાળકો હું મારો ધંધો નહિ મુકું જે ધંધાએ મને જીવાડ્યો, મુંબઈમાં વસાવ્યો એનો ત્યાગ કરું તો નથુ જીવાનું લોહી લાજે લોહી. અને રહી બીજી વાત આખી દુનિયા ભીખ પર તો જીવે છે, આ મંદિરમાં જતાં માણસો ભગવાન પાસે તો ભીખ જ માંગે છે ને!! રાજકારણીઓ પણ પ્રજા પાસે ભીખ જ માંગે છે, મોટા મોટા ઉદ્યોગપતિ ઓ કામદારો ને છેતરીને શોષણ કરીને લાખો કમાય, હું એની આસ્થાને છેતરીને ઘર પુરતું કમાઉ છું!! ટકવા માટે તમારે કશું પણ કરવું પડે પણ દેશને નુકશાનકર્તા ના હોવું જોઈએ” ધનજીએ શિવાજી બીડીનો ઊંડો કશ મારીને ઠુંઠું ફેંક્યું.
                       ઘણી વખત ધનજી ફિલોસોફીની વાત કરતો હતો એમ રમાબાઈને લાગતું, અને આમેય ધારાવીનું વાતાવરણ જ એવું કે માણસ ત્યાં રહે દસેક વરસ એટલે ફિલોસોફર બની જ જાય!! એક જાતની ઓપન યુનીવર્સીટી જ જોઈ લ્યો!! ભાત ભાતના અને જાત જાતના માણસો તમને જોવા મળે આખા ઇન્ડિયામાંથી આવેલા પ્રદેશ પ્રદેશ ના લોકો તમને જોવા મળે!! દરેક પ્રકારના તહેવારો ત્યાં ઉજવાઈ ભારતની બધીજ ભાષાઓ બોલવા વાળા ત્યાં મળી આવે. સમય વીતતો ચાલ્યો બાર ધોરણ ભણીને ગણપત પોતાની રીતે કામ કરવા લાગ્યો!! ધનજી પોતાની રીતે ભીખ માંગતો હતો. હવે તો એણે એક જૂની કાર પણ લીધેલી. જે કાર લઈને ભીખ માંગવા જાય. જ્યાં ભીખ માંગવાની હોય એનાથી થોડે દૂર એ ગાડી પાર્ક કરે, જુના અને ગંદા કપડાં પહેરે એ બધો મેક અપ કારમાં જ પતાવે, સુંદર દેખાવા માટે મેક અપ કરવો પડે એમ કદરૂપા અને ગોબરા દેખાવા માટે પણ મેક અપ કરવો પડે!!. પછી એ ચાલી નીકળે મંદિર પાસે કલાક બે કલાક ભીખ માંગે વળી પાછો લોકેશન બદલે અને આમને આમ એ સાંજ સુધી મોજથી પોતાનો ધંધો કરે!! જમાના સાથે એ બદલાતો રહેતો હતો હવે એ ઘણી રકમનો માલિક થઇ ચુક્યો હતો. પોતાની દીકરી અને દીકરાની પાછળ ઘણી રકમ બેંકમાં મૂકી શક્યો હતો. મકાન ઉપર પણ બે માળ લઇ લીધા હતાં, મકાનમાં વોશિંગ મશીન પણ આવી ગયું હતું!! લોકોને લાગણીવશ કરીને કેમ પૈસા મેળવવા એ એને બખૂબી શીખી લીધું હતું!! લોકોને ઈમોશનલ કરીને પૈસા મેળવવા માટે ભારત એક શ્રેષ્ઠ જગ્યા છે એમ ધનજી પાકે પાયે માનતો હતો!!.
               “રમા, ગણપત આજ કાલ મોડો આવે છે,એનો હાથ વધારે છુટ્ટો થઇ ગયો છે, કાંઇક અવળા ધંધા તો નથી શીખ્યોને??” મકાનના બીજા માળે ગણપતના રૂમમાં છાજલી પર ખા ખા ખોળા કરતાં ધનજી બોલ્યો. એનાં હાથમાં બે બ્લેક ડોગની બોટલ આવી હતી. આવો મોંઘો શરાબ અને એ પણ ગણપત જેવા ૨૫ વરસનાં યુવાન પાસે ધનજીને નવાઈ લાગી. પ્રસંગોપાત ધનજી ક્યારેક પી લેતો આજુ બાજુ ક્યાંક પ્રસંગ હોય તો એકાદ બે પેગ ટટકારી લે પણ કા તો એ ખજૂરી છાપ સાદી બ્રાંડ હોય અથવા વધી ને વધી રોયલ સ્ટેગ હોય પણ આટલે થી જ વાત અટકી જતી. પણ આ ગણપત તો ૩૦૦૦ ની એક એવી બ્લેક ડોગ રાખતો થઇ ગયો. ધનજીની નવાઈનો પાર ના રહ્યો. ભિખારીને આટલી જાહોજલાલી થોડી હોય. વળી અધૂરામાં પૂરું અઠવાડિયામાં આઈ ફોન પણ ગણપતના હાથમાં જોયો. તાન્યાને પણ એક ફોન લઇ દીધો. હવે ગણપત મોડી રાતે આવતો. ધનજી બહાર સુતો હોય બધું જોયે રાખ્યે. નવી નવી બ્રાંડ ગાડીઓ લઈને ગણપતને મુકવા આવે એ પણ જોયું. એક વાર એ હાજી અલી પાસે ભીખ માંગતો હતો ને ધનજી ની આંખો વિસ્મયથી ચમકી ઉઠી. ધારાવીના કુખ્યાત ડોન સાથે એણે ગણપતને જોયો. સાથે બે છોકરીઓ પણ હતી. ગણપત માર્કોપોલો ચિરૂટ પીતો હતો. ધનજી નીચું જોઈ ગયો. ઘડીક ચર્ચાઓ થઇ એ લોકોની અંદરો અંદર અને વળી પાછી એક ઓડી ગાડી આવી અને એમાં ગણપત જવા રવાના થયો અને ધનજી ચોંકી ઉઠયો!! એનાં અંગ અંગમાં એક ભયાનક લખલખું પસાર થઇ ગયું.
                     સાંજે એ વહેલા ઘરે આવી ગયો.રમાને વાત કરી. રમા આ વાત સાંભળીને ધ્રુજી ગઈ. તાન્યા  બહારથી આવીને વાત અટકી ગઈ. ધનો ખાટલામાં પડ્યો આડો અવળા પડખા ઘસતો રહ્યો. રાતના બે વાગ્યા અને ગણપત આવ્યો. આજે એક લાલ ગાડી એને મુકવા આવી હતી. ગણપત રાબેતા મુજબ પોતાની ઉપરની રૂમમાં ગયો.ધનજી તેની પાછળ ગયો. રમાબેને પોતે બહાર આવી ને ધનજી ના ખાટલામાં બેઠી. ઉપર બાપ દીકરાની વાતો સાંભળતી રહી!! ધીરેથી થતી વાતો ઉગ્ર થવા લાગી અડધી કલાક વાતો ચાલી અને અચાનક એક ચીસ સંભળાણી!! અને એ ચીસની પેલાં એક જોરદાર અવાજ આવ્યો હતો. રમા ઉપર ગઈ ને જોયું તો સ્તબ્ધ થઇ ગઈ!! ગનાપતનું માથું ફાટી ગયું હતું!! લોહીનું નાનું એવું ખાબોચિયું હતું. પડખે બ્લેક ડોગની એક બોટલ પડી હતી. બે ગ્લાસ હતાં એક અડધો ભરેલો હતો. એક ખાલી હતો. બાજુમાં એક દસ્તા જેવો લોખંડનો ટુકડો હતો.ધનજીએ ફરીથી એક પેગ ભર્યો નીટે નીટ અને ગટગટાવી ગયો. એણે રમાની સામું જોયું. પડખે એક નાનકડી સુટકેશ હતી. એમાં પડીકીઓ હતી બીજી એક સુટકેસમાં પૈસા હતાં. ઘણાં આઈ કાર્ડ હતાં!! અલગ અલગ મોબાઈલ હતાં.
                  “આ બધું નીચે રસોડાના ચોર ખાનામાં મૂકી દે ઝડપથી, અને પછી પોલીસ ને ફોન કર્ય ઝડપથી” ધનજી લથડતી જીભે બોલ્યો. મન મક્કમ કરીને રમાએ સુચના મુજબ કર્યું. ધનજીના કપડાં પર અને ચહેરા પર લોહી હતું એણે બીજો ગ્લાસ ભરવા પ્રયત્ન કર્યો પણ એ પોતે જ ઢળી પડ્યો.
                         કલાક પછી પોલીસ આવી.ઘટના સ્થળ જોયું. જે રીતે ગણપતનું ખુણ થયું હતું એ જોતા મામલો ગંભીર હતો.પી આઈ પાટીલ આવ્યાં. રમાબાઈનું નિવેદન લીધું.
                  “બાપ દીકરો પીવા બેઠા હતાં, કાયમ સાથે પીતાં, રોજ મગજમારી થતી, એમાં અવાજ થયો અને ચીસ સંભળાણી અને હું ઉપર આવી અને જોયું તો આવું બની ગયું હતું” બોલતાં બોલતાં રમાબાઈ એ આક્રંદ કર્યું. ગણપતની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી. ઘટના સ્થળના ફોટોગ્રાફસ લેવામાં આવ્યાં,પાટીલે એક બે પત્રકારોને ફોન કર્યા. રાતના ચાર થવા આવ્યાં હતાં. અને મીઠી નદીના કાંઠે ધારાવીની એ મકાન પાસે ચહલ પહલ વધી ગઈ હતી, બ્રેકીંગ ન્યુઝ વાળા પહોંચી ગયાં હતાં.આજુ બાજુ ના લોકો પણ જાગી ગયાં હતાં, વાત માનવા કોઈ તૈયાર જ નહોતું કે ધનજીએ ખૂન કર્યું હોય. ધનજીને પોલીસ સ્ટેશનમાં લઇ ગયાં હજુ એ પૂરે પૂરો ભાનમાં નહોતો આવ્યો સવારે આઠ વાગ્યે એ ભાનમાં આવ્યો અને બે હવાલદારોએ એને લાકડી લઈને ઝુડવા લાગ્યાં, ધારાવીની એક ખાસિયત છે કે કોઈ પણ ગુનેગાર ને જયારે પકડે ત્યારે સહુ પ્રથમ પોલીસવાળા એને મારવાનું શરુ કરે પછી કોઈ રાજકારણી કે ભાઈ લોગ નો ફોન આવી જાય પછી મારવાનો સમય ના રહે. એટલે પેલાં બરાબર એની દાઝ ઉતારી લે. બપોર થયા  કસ્ટડીમાં ધનજી બેઠો હતો. આંખમાં એક પ્રકારની ચમક હતી. હવે નશો ઉતરતો હતો એટલે હાથ પગ કળતા હતાં પણ પહેલેથી જ લોંઠકુ શરીર એટલે શરીર માર ખમી ગયું. પાટીલે કસ્ટડીની અંદર પગ મુક્યો.એક હવાલદાર સ્ટુલ મૂકી ગયો. પાટીલે એક સિગારેટ સળગાવી અને પૂછ્યું.
                   “સચ બતા ધનજી બાત ક્યાં થી?”
                “ સાબજી એક શિવાજી બીડી મિલેગી, બઢિયા રહેગા મુજે” એક લાત પડી ધનજીના પેડુમાં. ધનજી બેવડ વળી ગયો. પણ તોય હસ્યો.
            “લાત ચાહે જીતની ભી મારની હૈ માર લીજીયેગા, પર એક શિવાજી મિલ જાયે તો અચ્છા રહેગા સાબજી” ધનજી એ હાથ જોડ્યા. પાટીલના મોઢા પર સ્મિત આવ્યું, પોતાની કેરિયરમાં એણે ઘણાંને આ રીતે લાત મારી હતી.એક લાત ખાધા પછી ગુનેગાર બોલી જ ના શકતો પણ આ ધનાની તાસીર હતી કે નીડરતા એ પાટીલ ને ના સમજાયું. એણે પાંડુરંગ હવાલદારને બોલાવ્યો અને શિવાજી બીડી મંગાવી. ધનજી એ બીડી સળગાવી. એક કશ માર્યોને આંખમાં ફરીથી ચમક આવી. ગળું સાફ કર્યું અને બોલ્યો.
               “તો બાત યહ થી કી લડકે કે સાથ પીને કો બેઠા થા ઔર જ્યાદા પી લી તો કુછ કાબુમે નહિ રહા ,ઔર માલુમ હી નહિ થા કી ક્યાં હો ગયાં આવેશ મેં આકે ખુણ હો ગયાં સરજી, મારને કી જરૂરત નહિ મેં અપના ગુનાહ કબૂલ કર લેતા હું.” પછી તો આડા અવળા ઘણાં સવાલ પૂછ્યા મૂઢ માર પણ માર્યો. પણ ધનો એક નો બે ના થયો. એફ આઈ આર થઇ. કોર્ટમાં રજુ કર્યો. ટીવી પર બ્રેકીંગ ન્યુઝ આવ્યા. અમુક ઉત્સાહી ચેનલોએ ધારવીનો ઈતિહાસ બતાવ્યો. અમુક એક્ષ્પર્ટ લોકોની પેનલો બેઠી અને કાયદો વ્યવસ્થા કેટલી કથળી ગઈ છે એનાં ગાણા ગાયા. શાસકો વિપક્ષો પર અને વિપક્ષો શાસકો પર તૂટી પડ્યા. કોર્ટમાં કોઈ પણ વકીલ રાખ્યા વગર ધનજીએ ગુનો કબૂલ કરી લીધો. જેલમાં મોકલી અપાયો તે સમયે  ધનજીને એક ચેનલનો પત્રકાર તો ધનજી પાસે પહોંચી ગયો અને કહ્યું.
                  “આપકો કૈસા ફિલ હો રહા હૈ ઇસ વક્ત”?
               “બહોત બઢિયા” ધનજી બોલ્યો. અને પછી પેલો પત્રકાર શરુ થયો.
            “દેખિયે ઇનકા જવાબ યહ આદમી અપને બેટેકા કાતિલ કો જરા ભી અફસોસ નહિ હૈ ,ઉસકે ચહેરેપે પસ્તાવા કી કોઈ લકીર તક નહિ રાગિણીજી મૈ સ્ટુડીયોમેં બેઠે હુએ મનોવૈજ્ઞાનિક એક્ષ્પર્ટ નીલાજી સે જાનના ચાહતા હું કી ઇસ આદમીકે બારે મેં ઉનકી ક્યાં રાય હૈ, મૈ કુંદન તાવડે શમીમ ઝકરિયા કે સાથ ધારાવી આજ તક” અને પછી ઓવર મેક અપ કરીને બેઠેલા નીલાજીએ લાંબુ એવું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ આપ્યું. અને એ એમાજ ગૂંચવાઈ ગયાં. બે દિવસ સુધી છાપામાં હો હા શરુ થઇ અને બધું ભુલાઈ ગયું. અઠવાડિયા પછી મુંબઈ સેન્ટ્રલ જેલમાં ધનજીની મુલાકાતે પી આઈ પાટીલ આવ્યાં. તેમની પાસે જ આ કેસ હતો એટલે મળવામાં એને કોઈ ખાસ દિક્કત ના આવી. એક કોટડીમાં ધનજી બેઠો હતો. દાઢી વધી ગઈ હતી, આજ એ રીયલમાં ભિખારી લાગતો હતો. પાટીલની સામે એ હસ્યો. પાટીલે ચાર ભાઈ કાઢી ધનજીએ સટ માર્યો. કોટડીની ઉપર એક નાનું એવું બાકોરું હતું જ્યાંથી થોડો થોડો પ્રકાશ આવતો હતો.
               “મૈ સચ જાનના ચાહતા હું ,સચ બતા ધનજી મૈ શાયદ તુમકો બચાલુ”
              “કુછ બતાના નહિ હૈ સાહબજી કુછ ભી તો નહિ હૈ” ધનજીની આંખ એક દમ શાંત હતી.
          “ફિર ભી કુછ તો હૈ હી તુજે તેરી બેટી તાન્યા કી સોગંદ ધનજી સચ બોલ દે, દેખ યહ મેરે ગલેમેં વિઠોબા કી મૂર્તિ હૈ ના ઉનકી કસમ ધનજી મૈ કિસીકો નહિ બતાઉંગા ,દેખ તેરે બારેમે મૈ સબ કુછ જાન ચુકા હું ધારાવીમે મુઝે એક ભી ઐસા ઇન્સાન નહિ મિલા જો તેરે બારેમે અનાપ શનાપ બોલા હો. સબ તેરી તારીફ કર રહે થે” પાટીલ ની આંખો સામે ધનજી ભાંગી ગયો.
                “સાહબ મેં ભિખારી હું ભડવા નહિ હું, મેરા બેટા દેશ કો તોડનેવાલોકે સાથ મિલ ગયાં થા, ડ્રગ્ઝ બેચ રહા થા સાલા, મેરા ખૂન નહીં થા ના સાલા જિસ ધરતી પર ઉન્હોને જન્મ લિયા ,વહા પલા બડા હુઆ ઔર દેશ કે સાથ ગદ્દારી મૈ સહન નહિ કર સકા સાહબ ભિખારી હું ભડવા નહિ હું” ધનજી બોલતો હતો એક ખુદ્દારીથી બોલતો હતો.
              “લેકિન તું ઉસે સમજા શકતા થા ના પુલીસમેં આકે ઇન્ફોર્મ કર સકતા થાના  કાનુન હાથમે લેના ગલત હૈ ના ધનજી” પાટીલે ધનજીને કહ્યું. ધનજીએ પાછો એક શિવાજી નો કશ માર્યો અને હસ્યો.
            “મૈને સમજાયા થા નહિ સમજા ઔર રહી બાત પુલીસ કી તો માફ કીજીએગા સાબજી પુલીસ હૈ હી કિધર,?? આધીસે જ્યાદી પુલીસ તો નેતા લોગ કી દેખભાલ મેં લગી રહતી હૈ!!   બાકી બચે બહોત થોડે આપ જેસે લોગ!! ઉસસે ક્યાં હોગા સાબજી?? કુછ ભી તો નહિ!! અગર ઇસ દેશ કી પુલીસ બદલ જાયે તો દેશ બદલ જાયેગા.. ઇસ મેં કઈ પુલીસ વાલે ભી સામેલ હૈ સાબજી. મેરે પાસ સબુત ભી હૈ સાબજી કુછ નહિ હોને વાલા થા!!! ગલત તો ગલત પર મેને મેરે ઘર કી ગંદકી સાફ કર દી, અગર સબ અપને અપને ઘર કી ગંદકી સાફ કર દેંગે તો સારા દેશ અચ્છા હો જાયેગેના !!! ઔર ગલત હૈ ઇસીલિયે તો મૈને કોઈ લોયર ભી નહિ રખા જો સજા મિલેગી હમ ભુગ્તેંગે!! હમ તો ઠહેરે ભિખારી ફિર ભી દેશ કે લિયે ઇતના ભી તો ફર્ઝ બનતા હૈ કો નહિ!! ભિખારી હું સાહબ કોઈ ભડવા તો નહિ “ છેલ્લો કશ મારીને ધનજીએ ઠુંઠું ફેંક્યું. પાટીલ જોઈ રહ્યો.
                  “સાહબ પુલીસ કે પાસ કભી ભીખ નહિ માંગી હૈ આજ માંગતા હું યહ મેરી બાત કિસીકો મત બતાના,અગર લોગો કા પતા ચલ ગયાં તો લોગ મેરે લિયે ઝુલુસ નીકાલેગા મુજે હીરો બનાયેંગે વો ભી મુજે પસંદ નહિ હૈ ક્યુંકી મુજે પોલીટીશ્યન ભી નહિ બનના!!મૈને કિયા વો ગલત હૈ ઇસીલિયે મૈ સજા ભુગ્તુંગા!! અગર કિસી પાર્ટીકો યહ ખબર મિલતી હૈ તો વો મેરે નામ પે ભી વોટ કી ફસલ લગાયેંગી  વો મુજ્હે પસંદ હી નહિ હૈ !!!જીવનભર ભીખ માંગકર જીયા હું પર જીન્દગીકી ભીખ મૈ હરગીઝ નહિ માંગુંગા ઔર ના કભી માંગી હૈ !!!,કતઈ નહિ!!! યહ મેરા ઉસુલ કે ખિલાફ હૈ!!! યહ ધનજી નથુકા ખુન હૈ ધનજી નથુકા “  ધનજીએ આટલું કહીને હાથ જોડ્યા. પાછળ જોયું તો રમાબાઈ અને તાન્યા પણ આવ્યાં હતાં.
                 “યહ સાહબ કો વો સબુત દે દેના જો કિચન મેં હૈ. શાયદ વો ઉન્મેસે કિસીકો પકડ શકે ઔર હા સાહબ યહ મેરી બીવી કો સબકુછ માલુમ હૈ મેરે બેટે કે બારેમે લેકિન વો મુંહ નહિ ખોલેગી સાબ દો સુટકેશ મેં સબ કુછ ડોક્યુમેન્ટ હૈ, કોન કોન લોગ હૈ ક્યાં ક્યાં કામ કરતે હૈ વો સબ હૈ અગર પોલીસ મેં દમ હૈ તો સફાઈ કર દીજીયેગા સાહબ લેકિન બીચમે મુજે મત ડાલના મુજે હીરો નહિ બનના હૈ મૈ અગર બુરે કર્મોકી વજહ સે અગર દોજખ મિલેગા તો મેં વહા ભી ભીખ માંગ કે ગુજારા કર લુંગા લેકિન દેશ કે સાથ ગદ્દારી કરનેવાલો કા સાથ દેકર મેં જન્નત નહિ ચાહૂંગા  એક સુટકેશમેં  પૈસા ભી હૈ જો હંમે નહિ ચાહિયે આપ ઉનકા જો કરે વો કરના લેકિન આપ અપને તરીકે સે તપાસ કીજીએગા મૈ મેરા ભુગત લુંગા ઔર તાન્યા બિટિયા આપ અપની મમ્મી કા ખ્યાલ રખના “ તાન્યાના માથે ધનજીએ હાથ ફેરવ્યો. પાટીલ અને રમાબાઈની આંખો ભીની થઇ.
             
    “ પાપા આપ ઘર તો આયેન્ગેના “ તાન્યા એ કહ્યું અને તાન્યાના માથે હાથ ફેરવીને ધનજી એટલું બોલ્યો”
                  “હા બિટિયા શાયદ” કહીને ધનજી અવળું ફરી ગયો. રમા બાઈ પાટીલ અને તાન્યા હળવા પગલે બહાર નીકળી રહ્યા હતાં.ધનજી અવળું ફરીને પેલાં બાકોરા તરફ જોઈ રહ્યો હતો,ત્યાં ધીમો ધીમો પ્રકાશ આવી રહ્યો હતો.

લેખક: મુકેશ સોજીત્રા!!
૪૨,શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ ઢસા ગામ
તા.ગઢડા જી.બોટાદ પીન ૩૬૪૭૩૦



4 comments:

  1. kub saras ek bethake vachva jevi story chasi vat des ne dhokho no devay

    ReplyDelete
  2. વાહ સોજીત્રા સાહેબ ખુબજ રસપ્રદ રીતે માનવીય સંવેદના વિશ્લેષણ કર્યું છે..સ-રસ સ્ટોરી...

    ReplyDelete