Thursday 6 December 2018

બસ એને એટલું જ યાદ હતું અને વારંવાર બોલ્યા કરતી!! જગલા તારે ભણવાનું છે હો!! તારા બાપા વાડીયે ગયા છે

વાર્તા  “તમે મને લૂગડાંની નવી જોડ સિવડાવી દેશોને?”
લેખક :- મુકેશ સોજીત્રા


                     
                અને  ડાયા દાદાને એના  વચેટ દીકરા મધુનો  દીકરો કાર્તિક પરાણે સુરત લઇ જ આવ્યો. ડાયા દાદા ના પાડતા રહ્યા. પણ આ વખતે એનું કાઈ જ સાંભળવામાં ના આવ્યું!! પરાણે હોંડા સિટીમાં બેસાડી જ દીધા તોય છેલ્લી ઘડીએ એ વાડીએ તો જઈ જ આવ્યાં . ભાગીયાઓને સુચના પણ આપી આવ્યાં. મનમાં વાડીના વિચારો કરતાં કરતાં એ મને કમને હોન્ડા સિટીમાં બેઠાં. અને તોય આડોશ પાડોશ વાળા ને કહેતાં ગયા કે,
            “ એય ને અઠવાડિયામાં તો આવું જ છું હો”
           “ સારું ના થાય ત્યાં સુધી દેશ નું નામ જ નથી લેવાનું!! અહી બધું થઇ રહેશે.. તમે આખી જિંદગી બહુ બધું કર્યું હવે શરીર સામું તો જુઓ “ કાર્તિકે  ગાડી હંકારતા હંકારતા કહ્યું!!
              અને વાત પણ સાચી હતી!! ડાયા ઉકા એટલે ડાયા ઉકા !!
               સોરઠના નાનકડાં એવા ગામનો ખાલી બસો વીઘાં જમીનનો માલિક. ખેતી સિવાય બીજો કસબ આવડે નહિ પણ જમીનમાં સોનું પકવી જાણે!! ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ!! બધાજ ઘરે બારે. બધાજ સુખી હતા. એક મોટો દીકરો દેશમાં જ રહી ગયેલો. બાકી મધુ અને કનુ તો સુરત જ જતા રહેલા  હવે તો દીકરાના દીકરા પણ મોટા થઇ ગયેલા પરણે એવા!! ડાયા ઉકાનું ખોરડું ગામ આખામાં અલગ જ તરી આવતું કારણ કે હજુ  બધાય ભેગા જ હતા. જમીન બધીય ડાયા ઉકાના ખાતે હતી..!! આવા કળીયુગમાં પણ જમીનના ભાગલા પાડવાનો કુવિચાર હજુ કોઈના મનમાં આવ્યો નહોતો. ડાયા ઉકાનો મોટો દીકરો ધરમશી ખેતી સંભારે. ધરમશીના ચાર દીકરા એમાં બે દીકરા અહી ખેતીમાં અને બે સુરત રહે અમુક હીરામાં તો અમુક કાપડમાં ફેકટરી ચલાવે છે..!! આ ડાયા ઉકાના કુટુંબની એક ખાસિયત કે બધાના લગ્ન પ્રસંગ તો ગામડે જ થાય. કોઈના સુરતમાં નહિ જ!! સગા સબંધીને ફરજીયાત ગામડે આવવાનું જ અને આટલા વરસોમાં પેલી વાર એ સુરત જઈ રહ્યા હતા અને એ પણ બીમારીને કારણે!! છેલ્લા છ છ માસથી તાવ વાંહે પડી ગયો હોય એવું લાગતું હતું. એમ તો જુનાગઢ જઈ આવ્યાં , રાજકોટ પણ મોટે દવાખાને બતાવેલું પણ થોડો સમય ફેર રહે ને વળી તાવ ઉથલો મારે!! એટલે મધુનો દીકરો કાર્તિક સ્પેશ્યલ ડાયા દાદાને લેવા જ આવ્યો હતો!!


               આમ તો બધી મળીને કૂલ છ ફોર વહીલ હતી ઘરમાં!! પણ ડાયા ઉકા વાડીએ તો સાયકલ લઈને જ જાય!! છોકરાના છોકરા કહે પણ ખરા.
                            “ દાદા હવે તો સાયકલ મુકો , હવે તો એક ફોર વ્હીલ ઘરે પડી જ છે, એ વાપરો અથવા આ એકટીવા વાપરો”
               “ નારે ના આનાથી કસરત ના થાય ને ?? સાયકલથી કસરત થાય અને કામ પણ થાય. આ બધું તમારા માટે છે મારા માટે તો સાયકલ છે જ!!

                       છોકરા દિવાળી ટાણે ગામડે આવે ત્યારે ૪૨ જણાનું કુટુંબ એક જ રસોડે જમે!! પાંચ વાગ્યે તો રોટલા માંડવા પડે!! અને ફળિયામાં ખાટલા નાંખીને ડાયા ઉકા બેસે આજુ બાજુ દીકરીના દીકરાઓ અને પૌત્રો ટી શર્ટ અને બર્મુડા માં દાદાની ફરતાં ગોઠવાઈ જાય!! અને ડાયા દાદાઓ વાર્તાઓ  શરુ કરે. આખું ઘર ભર્યું ભર્યું લાગે.!! આજુબાજુના કુટુંબ વાળા પણ ચકિત થઇ ગયા કે આપણે ચાર કે પાંચ જણાનું કુટુંબ છીએ તોય વરસમાં ત્રણ થી ચાર વાર ઝગડો થાય છે તો આ અડતાલીસ જણાનું કુટુંબ અને કયારેય ભાયું તો ઠીક પણ બાયુય નથી બાધતી!! આ તો બહુ કહેવાય!!
                   કોઈ કોઈનો વધારાનો વહીવટ કરતા જ નહિ! બાધણ કે ઝગડા ત્યારે જ વધે કે જ્યારે આપણે બીજાના વહીવટ કરવા લાગીએ. બાકી પોતપોતાનું સોંપેલું કામ કરતાં રહેતો ઘર ડખામુક્ત જ હોય!!
                        ડાયા ઉકા આવ્યાં સુરત!! હીરાબાગમાં કનુ અને મધુના બંગલા!! એય ને સામેસામે અને મોકળાશ વાળી જગ્યા. ડાયા આતા પહેલી જ વાર સુરત આવ્યાં હતા. પણ સુરત ની રોનક જોઇને છક જ થઇ ગયાં. આજબાજુના મકાન વાળા આવ્યાં. બધાને ડાયા આતા મળ્યાં. મનમાં થયું પણ ખરું કે આ તો અસલ કાઠીયાવાડ જેવું છે. બધે કીડીયારું ઉભરાણું હોય એમ આપડાવાળા જ સામા ભટકાય છે. રેવામાં હવે કોઈ જ વાંધો નહિ આવે.
                બીજે દિવસે ડાયા આતાને ડોકટર જગદીશ પટેલના દવાખાને લઇ ગયા. બહાર બોર્ડ માર્યું હતું. ડો. જગદીશ એલ પટેલ (એમ ડી). એયને પુરા ત્રણ માળની આલીશાન હોસ્પિટલ હતી. ડાયા આતા કુતુહલતા થી બધું જોઈ રહ્યા હતા. આવડી મોટી હોસ્પિટલ!! અડધું ગામ સમાય જાય એવડી!! એ તો આભા જ બની ગયા.સાથે આવેલ દીકરા કનુએ કેઈસ કઢાવ્યો.ડાયા આતા એક સોફા પર બેઠાં!! બધા જ માણસો શાંત રીતે હડિયાપાટી કાઢી રહ્યા હતા. બધા જ જીન્સ અને ટી શર્ટમાં હાથમાં ફાઈલો લઈને આડા અવળા ઘૂમડીયા મારી રહ્યા હતા. અમુક તો બોલે ત્યારે જ ખબર પડે કે આતો બહેન છે. બાકી ભાયું અને બાયું બધાય સરખાજ દેખાતા હતા!! કપડા પરથી સરખા જ લાગે. બધાજ સફેદ કપડામાં હતાં. સરસ મજાના ઠંડા વાતાવરણમાં ડાયા આતા ચકળ વકળ બધું જોઈ રહ્યા હતા. કેસ કઢાવીને મધુ એ કેશ કાઉન્ટર પર પૈસા આપી રહ્યો હતો. આખી ગુલાબી નોટ મધુએ આપી એ ડાયા આતાએ જોયું. મધુ આવીને ડાયા આતાની બાજુમાં બેઠો અને આતાથી રેવાણું નહીં.


             “ આ હોસ્પિટલ વાળા સોરી તો નહિ નાંખેને?? બાકી સાંભળ્યું તો છે કે સુરતના દવાખાના તો વિદેશ કરતાં પણ મોંઘા છે!! આવ્યા નથી કે કાપ્યા નથી!! જેવો માણસ એવો ટકો કરી નાંખે!! કેટલા થયા કેસ કઢાવવાના સાચું બોલજે મધલા હો?? ડાયા આતાએ પોતાનો દુઃખાવો રજુ કર્યો.
          “આતા તમે પૈસા ની ચિંતા ના કરો , જમાના પ્રમાણે બધું કરવું પડે, આ એસી!! આ બિલ્ડીંગ આ બધું ફર્નિચર , આ બધા મોંઘા સાધનો અને આ જગ્યા પર આવડી મોટી હોસ્પિટલ માટે કરોડો રૂપિયા જોઈએ એ કાઈ આપણા ગામના દવાખાનાની જેમ એક બે લાખમાં નો થાય એટલે સુવિધા પ્રમાણે ચાર્જ થાય પણ આપણે જે ડોક્ટર પાસે આવ્યા છીએ એ તાવમાં એકદમ એક્ષપર્ટ છે. એની હથરોટી સારી છે!! તમને મટી જાય એ મહત્વનું છે!! તમે પૈસાની ચિંતા ના કરો!! પૈસા મહત્વના કે તમે અને ડોકટર પાસે જઈએ ને ત્યારે એ પૂછે એટલો જ જવાબ આપજો .. બીજું કાઈ આડા અવળું રાપલતા નહિ!!”કહીને મધુએ હાથ જોડ્યા!! અને ડાયા આતાએ હસીને કહ્યું.
            “ નારે ના આ તો હું તને ખાલી પૂછતો જ હતો બાકી ડોકટરે પણ લોન લઈને જ આ બધું કર્યું હોયને એને પણ વ્યાજ ચડતું હોયને ને અંતે તો પાઘડીનો વળ છેડે જ આવે ને આમેય માલ પર જકાત તો હોય જ ને!! આ બધી સગવડ તમારે તમારા પૈસાથી જ માણવાની છે.ડોકટર તો નિમિત માત્ર છે” બસ પછી તો મધુ અને ડાયા આતા દવાખાના ની વાતે ચડી ગયા. મધુ નાનો હતો ત્યારે એને કઈ રીતે દવાખાને લઇ ગયા હતા જુનાગઢ!! ત્યાં કેટલા દિવસનું રોકાણ થયું હતું.. મધુ સાજો થઇ ગયો પછી ઘરે આવીને બે છાલિયા શેરો ખાઈ ગયો હતો. મધુની મા એ માણેકવાડાની માનતા રાખી હતી એ વાત!! કનુ બીમાર પડ્યો ત્યારે એની મા કનુને તેડીને ઠેઠ હરસિદ્ધિ માતા એ હાલીને ગઈ હતી એ વાત ડાયા આતા કેતા ગયા અને મધુ સાંભળતો ગયો.

            “ડાયાભાઈ ઉકાભાઈ “ રીસેપ્નીસ્ટ બોલી. અને મધુ અને ડાયા આતા ઉભા થયા. એક કાચનું બારણું ખોલ્યું અને અંદર ગયા. અંદર વળી એક બીજું બારણું હતું. બહાર કરતાં અંદર વધુ ઠંડી હતી. બીજું બારણું ખોલીને એ વળી વધુ અંદર ગયા. એક મોટો ઓરડો આવ્યો. એકદમ ધોળી બાસ્કા જેવી લાઈટ ધરાવતા એ રૂમમાં એક આલીશાન ખુરશી પર સફેદ શર્ત પેરીને એક ડોકટર બેઠો હતો. ડાયા આતા અને મધુ એમની સામે ગોઠવાયા. ડોકટરે મોબાઈલ બાજુમાં મુકીને સામું જોયુ. ચહેરા પર ધંધાદારી હાસ્ય આવ્યું. ડોકટરની બાજુમાં જ એક અત્યંત રૂપાળી અપ્સરા જેવી એક વીસેક વરસની નર્સ હતી. એ કાગળ અને પેડ લઈને તૈયાર થઇ ગઈ અને ડોકટરે પૂછવાનું શરુ કર્યું.
                 “નામ અને ગામ”? ડોકટર જગદીશે કહ્યું.
                 “ડાયા ઉકા અત્યારે સુરત પણ મૂળ ગામ ચાંદીગઢ મોટી પાનેલી પાસે” મધુએ જવાબ આપ્યો. ડોકટરે ડાયા ઉકાના ચહેરાને ધ્યાનથી જોયો ઉભા થયા અને સ્ટેથોસ્કોપની મદદથી બધું ચેક કર્યું.                         
               “કેટલા દીકરા દાદા” ડોકટરે કહ્યું.
               “ એ ભગવાનના દીધેલા કંધોતર જેવા ત્રણ છે” આ વખતે ડાયા આતા પોતેજ બોલી ઉઠ્યા.
               “ આની પહેલા તાવ ક્યારે આવ્યો હતો.??”
               “મને તો નથી સાંભરતું પણ મારી બા જીવતા હતા એ કેતા તે કે મને બે વરસનો હતો ને ત્યારે છ મહિનાનો તાવ આવેલો કોઈ દાગતર થી ના મટે એ તાવ!! બધા ચંત્યા માં પડી ગયા પછી મારા બા અને બાપા શિવરાતના મેળા માં લઇ આવ્યા મને. મારું આખું શરીર ધ્રુજે ને ભવનાથમાં પટેલ વાડીમાં મારા બા અને બાપા ઉતરેલા. આમ તો દર વરસે એ ત્યાં આવતા , અને જંગલમાંથી જે સાધુ આવે એને જમાડતા. ઘણા સાધુ મારા બાપાને નામથી ઓળખતા તે એક સાધુની આગળ મને સુવડાવ્યો અને મારી બા ખોળો પાથરીને રોયેલા. એ સાધુ બધું સમજી ગયા. એમના લોટામાંથી થોડુક ભભૂત લઈને મારા શરીર પર ચોપડી અને બોલેલા કે માઈ રડના મત અબ તેરે બચ્ચે કો કભી ભી બુખાર નહિ આયેગા.. અને પછી આવડો મોટો થયો ત્યાં સુધી મને કોઈ દિવસ તાવ નથી આવ્યો. હું તો ત્યારે ખુબ જ નાનો હતો. પણ પછી દર શિવરાતે જુનાગઢ તો જાવાનું જ અને સગવડ હોય એટલા સાધુને જમાડું છું. તમે ભણેલ આમાં નો માનો પણ મને તો આ અનુભવ છે” ડાયા આતા તો વધુ લંબાવાના મૂડમાં હતા પણ મધુ એ સામું જોયું એટલે પછી આગળ ના બોલ્યા. ડોકટરે એક બે ચિઠ્ઠીઓ કરી દીધી એટલે એ લઈને એ બીજા માળે લેબોરેટરી  રીપોર્ટ  કરાવ્યો . પાછા ડોકટરની ચેમ્બરમાં ગયા.ડોકટરે રીપોર્ટ જોયા અને કહ્યું.


           “શરીરની વરસો જૂની ગરમી ભેગી થઇ છે ત્રણેક દિવસ હોસ્પીટલમાં રોકાવું પડશે, પણ પછી દાદા થઇ જાશે એકદમ રેડી!!”
                 અને ડાયા ઉકાને સ્પેશ્યલ રૂમમાં ગોઠવી દીધાં. નર્સ અને ડોકટર આવ્યાં. બાટલા ચડાવવાનું શરુ કર્યું. ફળોનો જ્યુસ આપવામાં આવ્યો. સ્પેશ્યલ રૂમ મસ્ત હતો. ખૂણામાં નાનું એવું ફ્રીજ , નાનકડું એલ ઈ ડી ટીવી . મિનરલ વોટર્સની સગવડતા , ગુલાબની સુગંધથી મઘમઘતો રૂમ. મધુ બાજુની ખુરશીમાં બેઠો . હિરાભાગ ફોન કરી દીધો કે આતાને દાખલ કરી દીધા ત્રણ દિવસનું રોકાણ થશે. જમવાનું પણ હોસ્પીટલમાંથી જ આપશે . છેલ્લે બીલમાં બધું સમજી લેવાનું. નાનકડી પ્લાસ્ટીકની કોથળીમાં દવાઓ આવી. દર કલાકે એક કે બે કલર કલરના ટીકડાઓ ડાયા ઉકા ગળવા લાગ્યા. સવાર સાંજ ડોકટર આવે ને તપાસ કરે. ડાયા આતાને બધું બરાબર પૂછે. બાટલામાં ઇન્જેકશનથી દવાઓ નાંખે. બીજે દિવસે બપોરથી જ ડાયા ઉકાના આખા શરીરે પરસેવો જાય ભાગ્યો!! એસીમાં પણ એ પરસેવે નીતરી રહ્યા હતા. કલાક પછી શરીર એકદમ ઠંડુ થઇ ગયું. વારાફરતી છોકરાઓ અને એની વહુઓ , સગા સંબંધીઓ આવી ગયા ખબર અંતર પૂછી ગયા. ત્રણ દિવસમાં એનું મોઢું અને શરીર આવી ગયું કોળ્યમાં!! ડાયા ઉકા એકદમ રાતી રાણ્ય જેવા અને દોકડા જેવા થઇ ગયા. ચોથે દિવસે સવારમાં એને રજા આપવામાં આવી. એનો દીકરો મધુ ફાઈનલ બીલની  રાહ જોઈ ને ઉભો હતો. ડોકટર પોતાની પત્ની સાથે આવીને ઉભા રહ્યા.
               “કેમ છે આતા હવે?? શરીરમાં ક્યાય કળતર જેવું કે દુખાવા જેવું તો નથી ને??”
             “અરે નારે દાગતર સાહેબ , તબિયત તો હવે ઘોડા જેવી થઇ ગઈ છે!! પણ હે દાગતર બિલ પણ લાકડાં જેવું હશેને???” ડાયા ઉકા સ્વભાવગત બોલી ઉઠ્યા.
           “બીલમાં તો એવું છે ને આતા કે તમારી સિવાય કોઈ આપી નહિ શકે, માંગુ એ બિલ તો આપશોને આતા???”
          “ અરે હોય કાઈ , તું તારે તારું જે થાય એ માંગી લે જે, મુંજાતો નહિ હો , એયને ભગવાનની દયા છે . બધા દીકરાની ઘરે દીકરા ધુબાકા કરે છે , એય ને પહેલેથી જ સગવડ છે , ભલે હું રહ્યો ગામડાનો માણસ પણ અમે કોઈને કયારેય દુભવતા નથી પૈસાની બાબતમાં તો હું પેહેલેથી જ ચોક્ખો માણસ છું, તારા થાય એટલા બોલી નાંખ એટલે આ મધલો ચૂકવી દે”


           “ તો બીલમાં એક જોડી લૂગડાં જોઈએ છીએ!! તમે મને લુગડાની નવી જોડ સિવડાવી તો દેશોને આતા???”
              અને ડાયા ઉકા જોઈ જ રહ્યા!! એ ધારી ધારીને ડોકટરને જોવા લાગ્યા. ચહેરો જાણીતો લાગ્યો!! ડોકટર જગદીશની આંખમાંથી આંસુ હવે નીકળવાની તૈયારીમાં જ હતા. એની પત્ની સુજાતા પણ જોઈ જ રહી વારાફરતી એના પતિદેવ અને ડાયા આતા ને!! છેવટે ડોકટર ડાયા ઉકાની પાસે જઈને બે હાથ જોડીને ઉભા રહ્યા અને બોલ્યા.
            “હું તો તમને ઓળખી જ ગયો હતો પેલી વાર જોયા ત્યારે જ પણ તમે મને નથી ઓળખતા!! હું લાલિયાનો જગલો!! તમારા ખેતરમાં વરસો પહેલા એક સાથી રહેતો હતો એનો એકનો એક દીકરો જગલો!! યાદ આવ્યું ડાયા આતા કઈ!!!” આટલું કહીને ડોકટર એના પગમાં પડી ગયો!!
                અને ડાયા ઉકાને પાંત્રીસ વરસ પહેલાનો સમય યાદ આવી ગયો!! એ પોતાની વાડી , અમરેલી બાજુનો એક સાથી!! નામ તો એનું લાલજી હતું.. પણ લાડમાં એને એ લાલિયો કહેતા!! એનો એક દીકરો સાત વરસનો હતો અને બાપાની હારે જ વાડીએ આવતો!! અને અત્યારે જગલો ડોકટર થઈને એની સામે ઉભો હતો!!!
            “અરે મારા વાલીડા જગલા!! એ તું તો બહુ નાનો હતો ને અત્યારે તો મોટો ભડ ભાદર થઇ ગયો!! વાહ મારા પ્રભુની પણ લીલા અપરંપાર છે ને!! વાહ મારા નાથ વાહ” ડાયા ઉકા જગદીશને ભેટી પડ્યા!! અને એ કાળ સજીવન થયો !! એક એક વાત એને યાદ આવી ગઈ!!
               લાલજી મૂળ તો અમરેલી બાજુના ખારાપાટનો . પોતાની પત્ની સાથે ચાંદી ગઢમાં મજુરી કરવા આવ્યો હતો. એ વખતે અમરેલી અને ભાવનગર બાજુ મજુરી ના મળે અને ખેતીમાં પણ કાઈ ના પાકે એટલે લોકો સોરઠ બાજુ સાથી રહેવા જતા. ડાયા ઉકાને ત્યાં લાલજી સાથી રહ્યો. ત્યારે જગદીશ પાંચ વરસનો હતો. જગદીશ સાત વરસનો થયો ત્યારે ડાયા આતાએ લાલજીને કહ્યું.
           “અલ્યા લાલિયા આ જગલો સાત વરસનો થયો હો !! એને નિશાળે નામ નથી લખાવવું? કાલ આવજે મારે ઘરે આને ભણાવવો તો છે જ”
            ‘ પણ અમે તો આહી વાડીએ રહીએ, નિશાળ પડી જાય આઘી , હાલીને એ કઈ જઈ શકે નહિ અને ભણી ને કરવાની તો આ મજુરી જ ને એના કરતા અહી વાડીએ મારી ભેગો રે તો એ દસ વરસનો થાય ને ત્યાં તો પલોટાઈ જાયને???”
           ‘અરે હવે તો ભણતરનો જમાનો આવશે તું મુંજાતો નહિ!! બધું થઇ રેશે એ તો!! આ મારી સાઇકલ ની વાંહે એને બેસારીને લઇ જઈશ અને સાંજે હું આવીશ ને ત્યારે જગલા ને લેતો આવીશ!! બોલ જગલા ભણવું છે ને!! જો હા પાડ ને તો હું તને લુગડાની એક નવી જોડ સિવડાવી દઈશ!!” અને જગલાએ લુગડાની લાલચે હા પાડી દીધેલી. એ વખતે જુનાગઢ પંથકમાં વાડીમાં સાથી રે એની બોલી એવી રીતે થાતી કે વરસે અમુક પૈસા અને ત્રણ જોડી લૂગડાં એક નવા બુટ અને એક મોટી જીપ કંપનીની મોટી ટોર્ચ લઇ દેવાની!! પણ ડાયા ઉકાએ તો જગલાના લૂગડાં પણ સિવડાવી દેવાનું કીધું અને જગલો રાજીના રેડ!!


               બે દિવસ પછી નવા સિવડાવેલ કપડા પહેરીને માથે ટકો કરીને કંકુનો સાથીયો કર્યો અને હાથમાં હતું શ્રીફળ , બીજા છોકરા રડતા રડતા ધોરણ પેલામાં દાખલ થયો ત્યારે જગલો હસતા હસતા ધોરણ એકમાં દાખલ થયો. વળી બીજો પ્રોબ્લેમ થયો જન્મતારીખ તો હતી નહિ!! શાળાના આચાર્યે જગલાની જન્મતારીખ એની મેળે લખી ને સાત વરસ નો કરી દીધો અને ગોળ ધાણા ખાતો ખાતો જગલો વાડીની એકલતાની દુનિયામાંથી ચેતનતા ની દુનિયામાં આવ્યો. પછી તો એ આઠ વાગ્યાનો રાહ જોતો હોય!! સાડા નવે ડાયા ઉકાની સાયકલ દેખાય તો શેરડીના વાડ પાસે કુદકા મારવા મંડે!! સાડા દસે સાયકલ પાછળ બેસીને ડાયા આતાની સંગાથે એ જાય નિહાળે!! પાંચ વાગ્યે નિશાળે થી એ ડાયા આતાની ઘેર!! શેરીના છોકરા પાસે બેહે!! ક્યારેક રમાડે ક્યારેક નો રમાડે!! જગલાને કોઈ જ વાતનું દુખ નહિ!! સંધ્યા ટાણે પડખેના મંદિરે એ બેઠો હોય!! કયારેક વળી ડાયા આતા એને ઘરે જમાડી દે અને પાછો સાયકલ પર ચડાવે અને વેલી આવે વાડી!!
                    બસ આ જ ક્રમ ચાલતો ગયો. જગલાને ભણતર બરાબરનું ચડી ગયું. કડકડાટ વાંચતો થઇ ગયો. પછી તો ભીમ અગિયારશ આવે ને ડાયા ઉકા બોલે!!
                 “ જગલા આ દિવાળીની ખોટી પરિક્ષામાં પેલો નંબર લાવી દે ને તો એક નવી લુગડાની જોડ સિવડાવી દેવી છે તને???” જગલો તરત બોલતો.
                “સાચું બોલો છોને આતા!! નવી જોડ સિવડાવી દેશોને???” અને એ અભ્યાસમાં લાગી જતો. વરસ માં ત્રણ ત્રણ વાર નવી જોડ ડાયા ઉકા સિવડાવી દેતા અને જગલો ભણવામાં પેલો નંબર લઇ આવતો. સાતમાં ધોરણમાં પણ જગલાનો પેલો નંબર આવ્યો. અને પછી તો અમરેલી બાજુ પણ ખેતી સારી થવા લાગી હતી. લાલજી એ વિદાય લીધી!! એક ધારો એ દસ વરસ ડાયા ઉકાને ત્યાં સાથી રહ્યો હતો. જતી વખતે બધો જ હિસાબ સમજીને ડાયા આતા બોલ્યા.
             “લાલિયા આ પાંચ હજાર વધારાના છે!! આ જગલાને ભણાવજે !! વરહમાં ત્રણ વાર એને નવી જોડ લૂગડાની સિવડાવી દેજે!! મને એનામાં તેજ દેખાય છે!! તારી અને મારી જિંદગી તો અભણમાં ખપી ગઈ પણ આ પેઢીના છોકરા નહિ ભણેને તો કોઈ એનો ધડો નહિ કરે!! ભણાવજે આને હવે!!” અને જગલાને બાથમાં લઈને સાયકલ પર બેસાડીને રેલવે સ્ટેશન સુધી વળાવવા આવ્યાં!!
                   બસ એ પછી ડાયા ઉકા આજ જગદીશને ભેટી પડયા હતા!! આટલા વરસે પોતે વાવેલ એક છોડ વટ વ્રુક્ષ બની ને એની સામે ઉભું હતું. ડાયા ઉકા વર્તમાનમાં આવ્યા. ડો. જગદીશ તેમનો હાથ પકડીને પોતાની ઓફિસમાં લઇ જતો હતો.
            “જગલા આટલા વરસ સુધી મને તું મળવા કેમ ના આવ્યો?? તારા મમ્મી પાપા શું કરે છે” ડાયા ઉકાએ ખુરશી પર બેસતા કહ્યું. જગદીશે ભૂતકાળની વાત કરી.
              ‘અમે અમારા દેશમાં આવ્યાં પછી બાપુજીએ બકાલાનો ધંધો શરુ કર્યો. વરસ દિવસ પછી ખેતરના કુવામાં ઉપર મશીન ગોઠવતા હતા અને લાકડું ભાંગ્યું. મારા પિતાજી કુવામાં પડી ગયા. માથામાં ફૂટ થઇ . લોહી નીકળી ગયું હતું. હું તો બાજુના ગામમાં નવમું ધોરણ ભણવા જતો હતો. સાંજે આવ્યો ત્યારે મારા પિતાજીનો મૃતદેહ પડ્યો હતો. માતા બેભાન જેવી થઇ ગઈ હતી. પિતાજીની વિધિ પતાવી. મારા કાકાએ જમીનના ભાગ પાડ્યા. સારી જમીન એણે રાખી અને ખારચું અમને આપ્યું. મારી બાને ખુબ જ આઘાત લાગ્યો હતો. મારા બાપુજીના અકાળે અવસાનથી એની ચેતના ક્ષીણ થઇ ગઈ હતી. બસ એને એટલું જ યાદ હતું અને વારંવાર બોલ્યા કરતી!!


           “જગલા તારે ભણવાનું છે હો!! તારા બાપા વાડીયે ગયા છે કુવામાં મશીનનું મંડાણ માંડવા માટે હમણા જ આવશે હો!! જગલા તારે ભણવાનું છે??” બસ આખો દિવસ ખેતરના રસ્તે જોઈ રહે!! આમ તો બીજો વાંધો નહોતો. એ સવારે ટીફીન કરી દે.પોતે બપોરે ખાઈ લે..સાંજે આવું ને મને જમાડે પણ બીજું કઈ બોલે નહિ એક જ વાત મગજમાં અટકી ગઈ હતી!! “જગલા તારે ભણવાનું છે!! આડોશ પાડોશની બાયું બધું સાચવી લે. થોડી ઘણી બચત હતી એ વપરાતી ચાલી. મારા મામા મુબઈ થી આવ્યા હતા. મને કીધું કે દસમું ધોરણ પૂરું થાય એટલે મુંબઈ આવતો રહે આગળનું ત્યાં ભણજે!! વરસ દિવસ પછી હું દસમું પાસ થયો અને મારી માતા પણ પિતાજીને રસ્તે ચાલી નીકળી!! હું સાવ એકલો મામાને સહારે મુંબઈ ગયો!! મુંબઈમાં લાખો માણસો હતા પામ મને ત્રણ ચહેરા જ દેખાતા હતા!! મારા પિતાજી , મારી બા , અને એક તમે!! એ ત્રણેય ચહેરા મને કહેતા કે “જગલા તારે ભણવાનું છે હો!!!” અને બસ ભણતો ગયો. ખુબ મહેનત કરી છે!! બે વરસ થયા અહી દવાખાનું કર્યું છે. મનમાં નક્કી કર્યું હતું કે મુકામે ના પહોંચું ત્યાં સુધી ડાયા આતા ને મળવા નથી જાવું!! આ મારી પત્ની સુનીતા સાક્ષી છે મે એને કીધુ હજી મહિના પહેલા જ કે આવતા મહીને સોરઠમાં જાવું છે ડાયા આતા ને મળવા, પણ ભગવાને આ રીતે ભેગા કરી દીધા” જગદીશ વાત કરતો રહ્યો ને બધા જ સાંભળતા રહ્યા.
              અને એ દિવસે પાંચ વાગ્યે કાપોદ્રાના એક કાપડની દુકાનમાં ડાયા ઉકા બેઠા હતા.સામે જગદીશ હતો!! જગદીશના હઠાગ્રહ થી ડાયા ઉકાએ એક કાપડની જોડ લઇ દીધી હતી..!! જગદીશે એ તાત્કાલિક સિવડાવી નાંખી હતી અને જયારે એ ડાયા આતાએ લઇ દીધેલી લુગડાની જોડ ડો. જગદીશે પેરીને ત્યારે એ દુનિયાનો સહુથી સુખી માણસ હોય એવો અનુભવ કરતો હતો.!!
                  નાનપણમાં પ્રેમથી મળેલી વસ્તુઓ જીવનમાં સહુથી વધુ મુલ્યવાન બક્ષિશ ગણાય છે!!

લેખક:- મુકેશ સોજીત્રા
મુ.પો ઢસા 
ગામ તા .ગઢડા 
જી. બોટાદ  

7 comments:

  1. વાહ ખૂબજ સરસ અને મસ્ત સ્ટોરી.. જીવનમાં અમુક યાદો આજીવન યાદ રહે છે..સાથે સાથે ડાયા આતા નું મેનેજમેન્ટ કાબિલ એ દાદ કહેવાય....

    ReplyDelete