Wednesday 28 November 2018

મોટા મોટા દાક્તરને બતાવ્યુ હતુ પણ છોડી પથારી માંથી ઊભી નોતી થાતી. આ તો જીથરાભાભાની માનતા રાખી ને દોરો બાંધો એટ્લે સારુ થઈ ગયુ

વાર્તા::::"જીથરાભાભાની દેરી"

લેખક: કિશોર લકુમ



ટીના અને રાજુ છાપામાં જોઇ કોઇક બાબતે ચર્ચા કરતા હતાં એવામાં પ્રોફેસર કિરણસાહેબ આવી,"ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ !!! શુ ચર્ચા કરી રહ્યાં છો?  
          ટીનાએ કહ્યું ," ગુડ મોર્નિંગ,સર!! આજના છાપામાં આ જીથરાભાભાની દેરીએ મેળૉ છે.એવી જાહેરાત છપાયેલી છે તો ત્યાં જવા વીશે વિચારતા હતાં."
"ગુડ મોર્નિંગ સર!!" મનીષ અને ગીતા ત્યાં આવી ચડે છે. એટલે ટીના તેમને છાપામાં આવેલી જાહેરાત બતાવે છે. જીથરાભાભાનું નામ વાંચતા જ ગીતા પોતાના હાથે બાંધેલો દોરો બતાવી કહે છે કે,"આ દોરો મારી દાદીએ બાંધી આપેલ છે.તે કહેતાં હતાં કે જે જીથરાભાભાનો દોરો બાંધે તેને કોઈ પણ મુશ્કેલી માંથી જીથરાભાભા બચાવી લે છે." ગીતા તુ પણ આમા....???. બોલી બાધા ઍક સાથે હસી પડે છે. વાતાવરણમા હાસ્યનું મોજું ફરી વળે છે. પ્રોફેસર હાસ્યના મોજાંને તોડતા બોલ્યા,"તો આપણે બધાં કાલે સવારે વહેલા અહિયાં કોલેજે મળીશું અને અહિયાંથી જ મેળામા જવા માટે નીકળીશુ."
                     બધાં ઉત્સાહમાં આવી ઘરે જઇ કાલે જવાની તૈયારી કરવા લાગ્યા.ગીતા ઘરે જઇને દાદીને કાલે તે જીથરાભાભાની દેરીએ જવાની તે વિશે વાત કરી."તો કાલે આ સરલામાસી ની મણિ બહુ બીમાર રહે છે તો તેનાં માટે તુ ઍક દોરો લેતી આવજે" દાદી બોલ્યા. હુ કાંઇ લાવાની નથી. હુ એમા માનતી નથી બોલતી બોલતી ગીતા તેનાં રૂમમાં ચાલી ગઇ.
                       બધાં સવારમા વહેલા કોલેજના ગેટ પાસે ભેગા થઈ ને પ્રોફેસરની રાહ જોવે છે. એવામા પાછળ ઉભેલી ગાડી માંથી,"ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ!!" અવાજ સંભાળી બધાં ઉત્સાહમાં આવી જાય છે."ઓલ આર રેડી??" બધાં ઍક સાથે "યસ સર" બોલી પ્રોફેસરની ગાડીમા બેસે છે. ગાડી રોડ પર સડસડાટ દોડવા લાગી. બધાં ગાડીમા ત્યાં શુ કરીશું તેની ચર્ચા કરવા લાગ્યા.
                  "બસ હવે છેલ્લું ગામ પછી જીથરાભાભાની દેરી આવશે."એવું પ્રોફેરસ બધાને કહે છે. અંદરના ગામનો રસ્તો ખરાબ હોવાથી રોડમા મોટા ખાડા પડેલા હતાં પણ રોડ પરનાં ખાડામાં વ્યવસ્થિત પથ્થર ગોઠવેલા હતાં.રસ્તો પણ ડુંગરમાં ગોળાઇ વાળો હતો.

                    અંતે ઍક મોટા મેદાનની સામે ઝાડની નીચે ગાડી ઊભી રહી. સુરજ પણ માથે આવ્યો  હતો. "સર,હવે કંઇક પેટ પૂજા કરવી પડશે" ટીના બોલી. બધાએ "હા"કહી તેની વાતમાં સુર પુરવ્યો ભોળાનાથનાં મંદિરે દર્શન કરી મેળામા નાસ્તો કરતા હતાં ત્યાં પાછળના ટેબલ પર બે જણાં વાતો કરતા હતાં કે,"આ જીથરાભાભાને મારા દાદાએ જોયેલા છે."
                 "એ ક્યાં રહેતાં હતાં? શુ કરતા હતાં" વધારે જાણવાની ઈચ્છાથી પાછળ ફરી પ્રોફેસરે પ્રશ્ન પૂછયો."અમને બીજી કાંઇ ખબર નથી.તમારે જીથરાભાભા વિશે પૂછવું હોય તો ઓલી દેરી પાસે નાં લીમડા નીચે બેઠેલા ભાભલાને પુસો.ઈ તમને બધુ કેસે."કહી બને ચાલતા થયાં.
                    "એ... રામ .રામ !!!! આવો બેસો.ક્યાંથી આવો??" નીચે બેસી પ્રોફેસરે પોતાની ટુકડીનો પરિચય આપ્યો. “એ નના બધાં માટે પાણી લાવ”  કહી ભૂરાદાદાએ બધાં માટે પાણી મંગાવ્યુ. પાણી પીને પ્રોફેસરે વાતની શરૂવાત કરતા પૂછયું કે," અમારે આ જીથરાભાભા વિશે જાણવું છે."
                      એમાં સાબ એવું છે ને કહેતાં ભૂરાદાદા બોલ્યા," જીથરાભાભા ઇ અમારાં ગામ નો જીતુ. બચારા એ બવ દુઃખ વેંઠુ. સુખ એને ભાળ્યું જ નથી. નાનપણમાં ઈની મા જનમ આપી ને ભગવાન પાહે હાલી ગઇ." ત્યાં વચમાં મગનભાભા બોલા કે,"જીતુ પાંચ ચોપડી ભણ્યો. તેં નિશાળ કરતા જાજો તળાવ ની પાળે હોય. ગામનાં માસ્તર એનાં બાપને મળે તારે ખબર પડે કે જીત્યો કેટલા દી થી  નિશાળે નથી ગયો. આમ પણ મા વગર કોણ આ બધુ ધ્યાન રાખે. બાપ તો દિન - રાત વાડીએ હોય. થાકીને એના બાપે વાડીએ કામે લગાડી દીધો. પછી તો બચારો બાપ ની વાંહે ને વાંહે દિન - રાત વાડીએ કામ કરે. જીતયા ને ક્યાંક રેઢો નાં મેલે."
                       ઝડપથી જાણી લેવાની ઉત્સુકતાથી ગીતા બોલી, "પછી શું થયું ?" એટલે વાત આગળ વધારતા ભૂરાદાદા બોલ્યા,"જીતુ પંદર વરહ નો થયો ત્યાં એનો બાપ માંદો પડયો. પછી કોઈ દી પથારી માંથી બેઠો નાં થયો. વાડીની બધી જવાબદારી જીતુએ ઉપાડી લીધી.જીતુએ શેરમા મોટા મોટા દાક્તરને બતાવું પણ ઇનો બાપ પથારી માંથી બેઠો નાં થયો."
             ત્યાં મગનદાદા બોલ્યા કે,"જીતુ બવ ભોળો.ગામમા કોઈ ને ગમે તેં કામ હોય જીતુ અડધી રાતે પણ કામ કરે. ઍક વાર જીતૂની વાડીએ કામ કરતા મંગાને મશીન ચાલુ કરતાં તેનો ઍક હાથ મશીનમાં આવી ગ્યો તો જીતો તેને મોટા દાક્તર પાહે લઇ જઇને પાટા પિંડી કરાવી. મંગો અનાથ હતો એટ્લે મંગો જીવો તાં સુધી તેને સગા ભાઈની જેમ રાખો."
મગનદાદાએ આગળ ચાલુ રાખ્યું કે," જીતુને બાજુના ગામમા પરણાવો. બેય માણા સુખેથી રેતા.એકાદ વરહ પછી જીતુની વહુનાં પગ ભારે થયાં. જીતુ એ ગામ આખામાં સાકર વેચી. તેના બાપને પણ હવે જીતુના છોકરાં રમાડી ને તેની મા પાસે જાવાની ઇચ્છા હતી. પણ ભગવાને આ ગમતું નાં હોય તેમ જીતુ ને છોકરો નાનો થયો તેની સાથે જ જીતુ નાં બાપનો જીવ ખોળીયા માંથી ચાલ્યો ગ્યો. ભગવાનને હજી પણ ઓછું પડતું હોય તેમ છોકરા ને જનમ આપીને મા પણ મરી ગઇ. હવે છોકરાને મોટા કરવાની બધી જવાબદારી જીતુની હતી."
"એ...રામ... રામ!!!" કરી કાળુભાભા બેઠા. અમારી કરતા વધારે આ કાળુભાભાને ખબર હોય. આ ગામનાં મોટામા આ એક જ ભાભા છે.કાળુભાભા બોલ્યા," પણ તેનાં ભાગમા સુખ હતુ જ નઈ. તેનો છોકરો એકાદ વરહ નો થયો હસે તાં ઍક વાર વાડીએ કુવા પાહે રમતા રમતા કુવામા પડી ગ્યો. હવે જીતુ પણ હારી ગ્યો.તેં પણ પાછળ કુવામા પડો. આજુબાજુ વાળા એ જીતુ ને તો જીવતો કાઢો પણ છોકરો ઈની માઁ પાહે પોગી ગ્યોતો."
આટલું બોલીને હાંફી ગયા. થોડૂ પાણી પીને વાત આગળ કરતાં કાળુંભાભા બોલ્યા," પછી તો જીતુ પણ સાવ ગાંડા જેવો બની ગ્યો. નો કોઈ ની હારે બોલે કે ચાલે. ગામમા કે વાડીમાં-સીમમાં રખડા કરે.જે આપે તેં ખાઈ લે. ઍક જ ટેવ પડી ગઇ.વાડી કે સિમ માંથી આખો દિવસ પાણા વિણે ને ભેગા કરે.એના ઘરે પાણા નો મોટો ઢગલો કરો. જેને જોઇ તેં ત્યાંથી પાણા લઇ આવે.પછી તો જીતુ ગામના રસ્તામા ક્યાંક ખાડો પડે કે તરત તેમાં પાણા નાખી ને ખાડો બુરી દે. બસ,પછી તો જીતુ વાડી,સિમ કે ગામનાં રસ્તે જયાં ખાડા પડે ત્યાં પાણા નાખી ખાડો બુરી દે. પછી તો જીતુ ગામ કરતા ગમે ત્યાં રસ્તામા ખાડા પુરતો દેખાય. રાતે સામો મળે તો પેલા બી જવાય તેવો દેખાવ તેનો થઈ ગ્યો.વાળ-દાઢી બાવા જેવા વધી ગયા. કપડામાં મોટો કોટ પેરતો તેમાં પણ મોટા થિંગડા મરેલા, કપડાનો કલર કેવો હસે તેં તો ઓળખાતો નોતો એટલાં મેલા થઈ ગયા.બસ તે દી થિ ઇનુ નામ જીતુ માંથી જીથરો પડી ગયુ."
                   પાછું થોડુ પાણી પી  ને વાત આગળ કરતા બોલ્યા," ઍક વાર ગામનાં મોટા શેઠ આવા.એમને શેરમા મોટા મોટા કારખાના હતાં. સાંજે ગામ આખું ભેગુ થયુ. આ ગામમા શંકર ભગવાનનું મોટુ મંદીર બનાવું છે. એવી શેઠે જાહેરાત કરી."
એટ્લે સરપંચે કીધું કે,"આ જીથરાની વાડીમા જ બનાવો. આમ પણ હવે આ વાડી ખાલી પડી છે. વળી ગામના પાદરમાં જ છે. બધાં ગામનાં પણ સહમત થયાં. જીથરો પાછળ બેઠો બેઠો આ સાંભળતો હતો. આ સંભાળી તેં રાજી થયો હોય તેમ ત્યાંથી ઠેકડા મારતો વાડી ભણી ભાગ્યો.
             હાંફતા હાંફતા હવે ભૂરા તુ કહે મારાથી નહીં બોલાય કાળુભાભા બોલ્યા. બીડી સળગાવી મોઢા માંથી ધુમાડા કાઢતા કાઢતા ભૂરાદાદા બોલ્યા,"મંદિરનું કામ ચાલુ થયુ. જીથરો રોજ રાતે પાણા નાખી જાય.આખું મંદિરનાં જીથરાનાં પાણાથી ચણીને બનાવ્યુ . પૂનમના દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. જીથરો પાછળ ઉભો ઉભો આ બધુ જોતો હતો. બસ તે દિવસથી જીથરો ક્યાં ગ્યો તેં કોઇ ને ખબર નથી. તેં મરી ગ્યો કે જીવે છે તેં કોઈ ને ખબર નથી. પણ કોઇક ને ક્યારેક તેં રસ્તાના ખાડામાં પાણા નાખતો દેખાય."
                      બીડીને ઓલવી ઘા કરતા ભૂરાદાદા આગળ બોલ્યા,"થોડા વરહ પછી ગામમાં દુકાળ પડ્યો . ગામનાં એકેય કુવામા પાણીનું ટીપુંએ નાં મળે. ગામનાં તો ઠીક આજુબાજુના ગામમા પણ પાણીનું ટીપુંએ નાં મળે. તરસા ઢોર પાણી વગર ટળવળી મરતા. એવામાં અમારાં ગામનાં સમજુડોસીને જીથરો સપનામાં આવો. આ સમજુડોસી જ જીથરાને સાંજે રખડીને આવે ને ક્યાંય ખાવાનું નો મળે એટલે રોટલા આપતાં.સપનામાં કીધું કે,"આ મંદીરની વાંહે લીમડા નીચે પાણી છે. ત્યાં કૂવો ગાળો કોઈ દિ પાણી નય ખુટે."
                 સમજુડોસીની સપનાની વાત ગામ આખામાં વાયુવેગે ફેલાણી. ગામ આખું ભેગુ થયુ. સમજુડોસીએ ગામ સમક્ષ વાત કરી. પછી તો આ મંદિરની પાછળ કૂવો ગાળો તો પાણી નો ફુવારો થયો. તેં દિવસ થી આજ સુધી કોઈ દિ પાણી ખાલી નથી થયુ આ કુવામા. આજુબાજુના ગામનાં પણ પાણી ભરી જતા. કુવાની બાજુમાં જીથરાભાભાની દેરી બનાવી.પાછી ધીમે ધીમે ગામનાં માણસો જીથરાભાભાની માનતા રાખવા લાગ્યા. કોઇના ઘરે કોઈ માંદુ પડે કે કોઈને વળગાટ બધાં જીથરાભાભાની માનતા રાખે.બધાંનું કામ કરે. જીથરાભાભાનો દોરો બાંધે એટ્લે એનું કામ થાય જ.
                    "આ બધી અંધશ્રધ્ધા છે. આવુ કાઈ નાં હોય."પ્રોફેસર બોલ્યા. ટીના પણ બોલી, "સર,આ લોકોંના મનમાં આવી અંધશ્રદ્ધા ઘર કરી ગઇ છે. વિજ્ઞાન  આટલું બધુ આગળ વધી ગયુ અને આ લોકો હજી દોરા ધાગામા માને છે. આ લોકો હજી બહુ પાછળ છે "આ સંભાળી કાળુભાભા બોલ્યા,"તમે ભણેલા આમાં નાં માનો. પણ સાહેબ આ તો શ્રધ્ધા હોય તોજ કામ થાય. બાકી દેવની થોડી પરીક્ષા કરાય."
              એવામાં નનો બધાને સાકર દેવા આવ્યો "અલા આ શેની સાકર વેંચેશ ?" ભૂરાદાદા બોલ્યા.આ તો મીઠીમાસીની છોકરી બહુ માંદી રેતી ને એટ્લે માનતા માનેલી કે, " સારુ થઈ જશે તો બધાંને સાકર વેંચશે."આ એની સાકર છે કહી નનો ચાલ્યો ગયો. જોયું ને સાહેબ કહી બીડી સળગવાતા પાછા ભૂરાદાદા બોલ્યા,"મોટા મોટા દાક્તરને બતાવ્યુ  હતુ પણ છોડી પથારી માંથી ઊભી નોતી થાતી. આ તો જીથરાભાભાની માનતા રાખી ને દોરો બાંધો એટ્લે સારુ થઈ ગયુ."
મનીષ બોલ્યો," ડૉક્ટરની દવાથી સારુ થયુ હોય. આવા દોરાથી કાઈ નાં થાય."ક્યારના આ બધુ સાંભળતા કાળુભાભા બોલ્યાં," સાહેબ,તમે પણ જતા જતા ઍક ઍક દોરો લઇ જજો."એવામાં જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ચારે બાજુ વીજળીનાં કડાકા થાવા લાગ્યા. હવે વરસાદ આવશે. આપણે વરસાદ પહેલા નીકળી જઇએ. મંદિરની સંધ્યા આરતીની ઝાલરનો અવાજ પણ સાંભળતો. એટ્લે પ્રોફેસર રામ... રામ કરી ઉભા થયાં
બધાં ગાડીમાં બેસી જવા માટે રવાના થયાં. થોડુ આગળ ચાલ્યા ત્યાં ધોધમાર વરસાદ ચાલુ થયો. આકાશમાં ચારે બાજુ કાળા વાદળા છવાયેલા હતાં. પૂનમ હોવાં છતા અમાસ  જેવું લાગતું. ક્યાંક થતી વીજળી જાણે આકાશ ચીરતિ હોય તેવું લાગતું હતુ. વીજળીનાં આછા પ્રકાશમાં વહેતા વરસાદમાં ડુંગરા માંથી નીકળતા ઝરણા પણ રાત્રિનું અદ્દભુત સૌંદર્ય રચાતાં હતાં.
એવામાં પ્રોફેસરે ગાડીની અચાનક બ્રેક મારી. બધાં ચોંકીને આગળ જોયુ તો વીજળીના ચમકારાનાં આછા પ્રકાશમા સામે મેલા કપડામાં મોટા વાળ અને મોટી દાઢી વાળો કોઇક બેઠૉ હતો. જેની માત્ર આંખો ચમકતી હતી. બધાંએ નીચે ઉતારીને જોયું તો ત્યાં પાણી નાં પ્રવાહના કારણે મોટો ખાડો પડી ગયો હતો. બધાં મોટા અકસ્માત માંથી બચી ગયા. પણ ત્યાં કોઈને બેઠેલા જોયા નહીં. કોઈ કાંઇ બોલ્યા વગર બધાં પોતાની જગ્યાએ બેસી ગયા.
                 ગાડી ચાલુ કરી ત્યાં ગીતા બોલી,"સાહેબ,શુ આ જીથરાભાભા હતાં કે જેને આપણને મોટા અકસ્માતથી બચાવી લીધાં.??" થોડુ વિચારી પ્રોફેસર બોલ્યા,"ઘણી બાબતો વિજ્ઞાનથી પર હોય છે. જે આજે પણ વિજ્ઞાન સાબીત નથી કરી શક્યું. ગીતામા પણ ભગવાને કહ્યુ છે કે,"આત્મા એ અમર છે. માત્ર આ શરીર નો નાશ થાય છે.આત્મા કદી નાશ પામતી નથી.""અને ગાડી રોડ પર દોડવા લાગી.
લેખક કિશોર લકુમ 

1 comment:

  1. જીતુ થી જીથરો અને પછી આત્મા ....અદ્ભૂત વળાંકો વાળી છે આ વાર્તા

    ReplyDelete