Thursday 29 November 2018

તમારી વગર મને કોઈ ખીજાતું નથી કાકી,!! કાકી ઘરે ચાલો” ના દીકરા, આ પાપ આ ભવમાં પૂરું નહિ થાય એમ લાગે છે”

નવલિકા “નંદુ કાકી”
લેખક :- મુકેશ સોજીત્રા



                           “કાકી ચોકલેટ ખાવી છે, રૂપિયો આપોને”  નવ  વરસનો ચિરાગ બોલ્યો. સાથે સાત  વરસનો આશિષ પણ હતો, બંને ભાઈ નંદુ કાકી પાસે આવીને બોલ્યાં. નંદિતા હજુ સુતી જ હતી. ઘરનું કામ પતાવીને એ હજી આડે પડખે થઇ હતી, ત્યાંજ ચિરાગે એનો હાથ પકડી ને જગાડી.
        “એય જપોને ઘડીવાર, લોહી પી ગયાં છે ભમરાળા સખે સુવાય દેતા નથી. આખો દિવસ માથું પકવી નાંખે છે!! હાલો બહાર નીકળો ચોકલેટ વાળીનાવ, સાળાવ બપોર વચ્ચેય ઘોંટાતા નથી.”
 એમ કહીને નંદિતા એ બેય ને તબતબાવીને બહાર કાઢ્યા અને ધડામ દઈને બારણું અંદર થી બંધ કરી દીધું અને અંદર બબડતી બબડતી સુતી. પણ છોકરાં કોને કહે એ તો બારણું ખખડાવવા લાગ્યાં .ફરીથી ચિરાગ બોલ્યો.
             “કાકી સાંજે કાકાને કહી દઉં ,જોજોને કાકા તમને ખીજાશે” અને આમ કહીને એ બેય ભાઈ ધોડીને ડેલે જતાં રહ્યા, એને ખબર હતી કે હવે શું થશે. અને અચાનક જ બારણું ખોલ્યું અને વાવાઝોડાની જેમ નંદિતા બહાર આવીને બોલી.
             “એ કહી દેજે તારા કાકાને, કોઈના બાપથી હું નથી બીતી હો, અને  કોઈથી ફાટી નથી પડતી હો” એમ કહીને ઓશરીની કોરે પડેલું ચંપલ લીધું ત્યાં તો છોકરા ડેલી વટાવીને બજારમાં જાય દોડ્યા હસતાં હસતાં.!!
                           વશરામ આતા તો લગભગ ચોરે બેઠા હોય આખો દિવસ બપોરે ખાલી જમવા આવે અને સાંજે સુવા બાકી એ ભલો અને એનો ચોરો ભલો. એયને બેય ટાબરિયા પોગી ગયાં વશરામ આતા પાસે અને ત્યાં જઈને કાળી ઘેલી ભાષામાં ફરિયાદ કરી કે
                        “દાદા દાદા નંદુ કાકી ચપલ લઈને પાછળ દોડ્યા, ચોકલેટના પૈસા નો આપ્યા, સવારે કાકા કામ પર ગયાં ત્યારે કાકીને પૈસા પણ આપ્યા હતાં કે છોકરાને ચોકલેટ લઇ દેજે ને ખીજાતી નહિ તોય નંદુ કાકી એ પૈસા ના આપ્યા” વશરામ આતા હસીને બોલ્યાં.
                 “ચાલો તમને ચોકલેટ લઇ દઉં, તમેય વનાનીના ઝાળા જ છો એમ કોઈ વગર વાંકે ચપલ લઈને વાંહે ના દોડે, એય રામલા આ બેયને બે બે ચોકલેટ આપી દેજે અને લખી લે આપણે ખાતે” બેય છોકરા રામલાની દુકાને જાય અને રામલો બધું પૂછે કે શું થયું અને પછી બેયને ત્રણ ત્રણ ચોકલેટ આપે અને બેય ભાઈ પાછાં રામજી મંદિર પાસે આવેલ વિશાળ પીપળાના ઝાડ નીચે રમે એયને ઠેઠ સાંજ સુધી.
               “ઈ તો તારો દાદો શહેરમાંથી પોતાના દીકરા માટે વહુ લાવ્યોને ત્યારથી ખબર હતી કે આ તો ચપ્પલ લઈને વાંહે જ થાશે” ઉકો ભાભો વશરામ આતાને ખીજવે, વશરામ આતા કહે.
                  “એવું કાઈ નો હોય ,બાયું તો બધીય સરખી જ હોય ગામડાની કે શેરની શું ફેર પડે??, આતો આબરૂ હોય તો શેરવાળા ય ગામડામાં આપે બાકી તારી જેવા લબાડને ત્યાં કોણ દીકરી દે,અને તારા કુટુંબમાં સાત ઢાંઢા છે પાંત્રીસ વરહ વટાવી ગયાં છે એ ભૂલી ગયો!!એને કોણ ભોજિયો ભાઈ એ દીકરી દેતો નથી. તમે તો લગ્ન કરતાં વધુ લીલ પરણાવી છે એ ભૂલી ગયાં ?? અને હું નાના છોકરા માટે શહેરથી લાવ્યો એમાં તને શેની બળતરા થાય છે સાચું કે નહિ રતના??
                         “બેય નું સાચું , ઈય સાચો અને તુય સાચો તું દીકરાને પરણાવીને કાઈ ખાટી નથી ગયો. અમે તો વાતો સાંભળી છે કે શેર વાળી બધાને ખડે પગે રાખે છે. એણે ચોખ્ખી ના પાડી કે હું ખેતરે નહિ જાવ. ગાય ભેંશનું વાસીદું નહિ કરું, હું કોઈના ગોલાપા કરવા નથી આવી,આ તો તારો દીકરો મધુ અને એની વહુ ઓતીને ધન્યવાદ દેવા પડે કે એય બેય આખો દિવસ ખેતરે જાય છાણ વાસીદું કરે છે અને નાની વહુને સાચવે છે,અને નાની ને બસ રાંધવાનું એય ને ફૂલ ફટાક થઈને શેરીમાં ચા ઢીંચવા નીકળવાનું અને કીશલાને લંગરાવવાનો!! આપણે તો નક્કી જ કરી નાંખ્યું કે ગામડામાં થી જ લવાય છોકરી, ગામડામાં ક્યાં ડાટા દેવાઈ ગયાં કે શેરમાંથી લાવવી પડે!! રતનો બોલ્યો અને વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ.
                         અને આમ જુઓ તો રત્નાની વાત સાચી જ હતી. પાંચ વરસ પહેલાં વશરામ આતાએ  કિશોરને શહેરમાં પરણાવ્યો હતો. ગામ આખું આભું બની ગયું હતું, ગામમાં આ પહેલી ઉંચી એડીના સેન્ડલ  વાળી આવી હતી. આમ જુઓ તો આ પ્રેમ લગ્ન હતાં. કિશોર હતો દેખાવડો અને નમણો અને શહેરમાં હીરા ઘસવાનું કામ કરે. દર શનિવારે આવે. કામ પણ સારું કરતો અને ટાપ ટીપ થી રહેતો. વશરામ આતાનો મોટો દીકરો મધુ પરણેલો અને એને પણ એક સંતાન થયેલું. એ ચિરાગ કિશોરની ખરો હેવાયો. શનિવારે કિશોર આવે એટલે ચિરાગ માટે ચોકલેટ લાવે અવનવી મીઠાઈ પણ લાવે,બે વરસ પછી મધુને બીજા દીકરાનો જન્મ થયેલો,કિશોર ખુશખુશાલ થઇ ગયેલો. અને એવામાં કિશોરે કારખાનું બદલ્યું અને બોરતળાવ પાસે એક મિશ્ર કારખાનામાં કામે બેઠો અને એજ કારખાનામાં એને નંદિતા મળી ગઈ. નંદિતાના માતા પિતા પણ હીરા જ ઘસતા અને દીકરાની લાલચમાં ને લાલચમાં ચતુરભાઈને ત્યાં છ દીકરીઓ થયેલી નંદિતા સહુથી નાની અને બધીય બેનો હીરા ઘસીને ઘસીને પરણેલી અને કામેય બધાયને સારું થતું અને ચતુરભાઈ પાસે પૈસો ય ઠીક ઠીક થઇ ગયેલો, પેલ કાપતાં કાપતા કિશોર અને નંદિતા કયારે એક બીજાના દિલ કાપી બેઠા એ ખબરેય ના પડી. વાત આગળ વધી ગઈને પછી એક વાર કિશોરે એની ભાભી ઓતીને વાત કરેલી.
                         ‘ભાભી શહેરમાં એક છોકરી છે આપણી જ નાતની અને મારી સાથે જ હીરા ઘસે છે. એનાં મમ્મી પાપા પણ માની ગયાં છે,બે મહિનાથી એ એનાં ઘરેથી જ બપોરનું ટીફીન મારી માટે લાવે છે ને હવે અમારે પરણવું છે તમે ને ભાઈ જઈને નક્કી કરી આવોને” અને અઠવાડિયામાં જ રૂપિયો નાળીયેર દેવાઈ ગયું અને પોષ મહિનામાં તો લગ્ન પણ થઇ ગયેલાં. જોકે લગ્ન પહેલાં જ કિશોરે અમુક બાબત ક્લીયર કરી નાંખેલી.
                  “લગ્ન પછી પાંચ વરસ તો ગામડે રહેવું પડશે,પછી આપણે બહાર જઈશું, હીરા હું એકલો ઘસીશ તારે ઘસવાની જરૂર નથી. અમારા ઘરમાં લડાઈ ઝગડા થયા નથી ,મોટાભાઈ અને ભાભીએ જિંદગી ઘસી નાંખી છે એ ભગવાન નું માણસ એને કોચવવાના નથી. મારી બા તો હું નાનો હતો ને ત્યારે જ ગુજરી ગયાં છે,ભાભી એ જ મારી મા સમાન છે, આતા તો લગભગ ચોરે જ હોય છે અને ભાભીએ કીધું કે નંદિતાને ખાલી ઘર સાચવવાનું અને રાંધવાનું બીજું ખેતીનું અને બારખલુ કામ ઈ કરી નાંખશે. ગામમાં તો હીરાની કારખાના નથી એટલે દસ કિલોમીટર એક દુરના ગામમાં કારખાના છે ત્યાં હું જઈશ. પણ પાંચ વરસ સુધી કાઈ હલચલ નથી કરવાની પાંચ વરસ પછી તું કહે તો સુરત અને તું કહે તો અમદાવાદ આપણે જઈશું બોલ આ મંજુર હોય તો જ મારે લગ્ન કરવા છે” અને લગ્ન પહેલા દરેક છોકરી હા પાડે એમ જ નંદિતાએ હા પણ પાડેલી અને કિશોર પરણી ગયો અને ફેશનેબલ નંદિતા ગામમાં આવી ગઈ.
                              વરસ દિવસ તો બધું રેડી હાલ્યું પછી નંદિતાનો સ્વભાવ બદલાતો ચાલ્યો. જેઠના બે નાના દીકરા ને પણ એ કારણ વગર ખીજાવા લાગી કિશોરના એ બને હેવાયા એટલે સાંજે બેય છોકરા કિશોરની વાટે જ હોય
                     “કાકા આવ્યાં કાકા આવ્યાં” એમ કહીને છોકરા દોટ મુકે અને કિશોર બેય ને તેડી લે. નંદિતા ને એ ક્યારેક ખીજાય પણ ખરો.
               “એ ફૂલ જેવા ને તું નો હેરાન કરતી હો તો, એ બિચારાએ તારું શું બગાડ્યું છે”?
               “ઈ જેટલા બહાર છે એટલાં જ અંદર ભોમાં છે તમને શું ખબર પડે એ તો કાટના દીકરા છે, તમનેય તે ઇજ વાલા લાગે છે ને હું ક્યાં વાલી લાગુ છું તો આ તો મારા કરમ ફરી ગયેલાને તે મેં તમારી સાથે લગ્ન કર્યા બાકી ઈ વખતે સો સો ઘંટીવાળા શેઠિયા પરણવા રાજી હતાં પણ મારે ભોગવવાનું હોયને?? એટલે આવું બધું થયું નહિતર મેં મોળાકતમાં ય મીઠાવાળું નથી ખાધું પણ ભાગ્ય મારા કે કાગડો દહીથરૂ લઇ ગયો!!” નંદિતા બળાપો કાઢતી.
                “કાગડો દહીંથરું લઇ ગયો કે વાંદરી સફરજન લઇ ગઈ!! એ તો ભગવાન જાણે તને અહી કોઈ તકલીફ નથી ખોટી બળતરા કરવાની ટેવ હોય ને એ નો સુધરે  ઈ નો જ સુધરે!!” કિશોર પણ ટાઢા ઘા મારતો. પણ ધીમે ધીમે સંતાન ભૂખે નંદિતાને સાવ બગાડી જ નાંખી. કયારેક નંદિતા અને કિશોર પોતાના રૂમમાં બેઠા હોય ત્યાં ચિરાગ અને આશિષ આવીને કહેતા.
                     “કાકા હાલોને બાર પાદર જઈએ, કાકી તમે પણ ચાલોને “ અને જવાબમાં કાકીનું વચડ્કું  જ સંભળાય!!
          “હવે તમે એકલાં ટોચાવ, કાકા વાળીનાવ નો ભાળ્યા હોય તો” પણ નાનો આશિષ બંદુક ફોડવાની એકશન કરે કાકીની સામે અને બોલે ઢીશુમ ઢીસુમ અને પછી તરત જ બહાર નીકળી જાય અને કિશોર હસી હસીને બેવડ વળી જતો અને નંદિતા ઉકલી ઉઠતી!!
               “આમ હવે ભવાયાની જેમ શું હસો છો? બીજું કાઈ આવડે છે કે નહિ?” ક્યારેક એ વળી ઠેકીને ખુલ્લીને કહી દેતી.
              “ તમારે હવે મોટે દવાખાને બતાવવું છે કે નહિ કે પછી જેઠના છોકરા છે એમાં જ આપણે રાજી રેવાનું કે પછી નપાણીયા છો એ સાબિત કરવું છે?? ક્યાય લગી આમ મારે પારકાના છોકરાને જ તેડવા ના..?? મેં તમને હજાર વાર કીધું કે હાલો હાલીને ચોટીલા જઈએ પણ તમે માનતા જ નથી. આમને આમ ચાર વરસ થઇ ગયાં તમને તમારાં ભાઈના છોકરા જ ગમે છે !! એટલે જ ઈ મને દીઠા ય ગમતા નથી એને હવે કઈ દેજો હવે ઈ નાના નથી. મારા રૂમમાં આવ્યાં છે ને તો સીધીના થઇ જાશે. કાકા કાકા કરતાં લંગરીયા આંટા જ મારતા હોય છે છેડાળા” નંદિતા નો સ્વભાવ છેલ્લી પાટલીએ જતો રહેતો હતો. જેઠ અને જેઠાણી સવારથી જ ભાત લઈને વાડીયે જતાં રે ,વાડી આઘી આવેલી વધે નંદિતા અને બે છોકરા અને સસરા. છોકરાને જેવું તેવું ખાવાનું આપે અને કયારેક છુટા ચંપલનો ઘા પણ અને સસરા તો રામજીમંદિરે જ હોય અને કિશોર બીજે ગામ હીરા ઘસવા જાય અને નંદિતા પણ ગામની નવરી બાયું ભેળી થઈને ટોળ ટપ્પા કરતી હોય,ધીમે ધીમેઓતી પાસે વાત આવી કે તારી દેરાણી તો હવે કિશોર માટે નપાણીયો અને ભમરાળો શબ્દ વાપરે છે. વાત મધુને ખબર પડી અને કિશોરને કીધું કે
                   “તમે પાંચ વરહ ભેગા રહ્યા છો તું એને લઈને શહેરમાં જતો રે અને કોઈ દવાખાને બતાવ ને દવા લ્યો. માતાજી સહુ સારા વાના કરશે.” પરાણે પરાણે નંદિતાને લઈને કિશોર શહેરમાં આવ્યો. ભાઈના બેય છોકરાને એણે ખુબ વહાલ કર્યું. ચોકલેટ ની થેલી આપી. ઓતીએ નંદિતાને આશીર્વાદ આપ્યાં. અને કિશોર અને નંદિતા શહેરમાં આવ્યાં. મહિના પછી એક જાણીતા ડોકટરે નંદિતા અને કિશોર બેયના રીપોર્ટસ લીધા અને અને કહ્યું.
                   “માફ કરજો બહેન તમારા રીપોર્ટ બરાબર છે જે ખામી છે ઈ આ ભાઈમાં છે અને એ ખામી દુનિયાનો કોઈ ડોકટર મટાડી નહિ શકે હવે બે ઓપ્શન છે કાંતો તમારા ભાઈનું બાળક દતક લોઅથવા કોઈ અનાથાશ્રમમાં થી બાળકને દતક લઇ લો”
                    અને ઘરે જઈને નંદિતાનો રોષ ભભૂકી ઉઠ્યો.
                 “મને તે છેતરી ભમરાળા ,!! તને ખબર હતી તોય તે જાણી જોઇને જિંદગી બરબાદ કરી, આવા પાણી કાઢેલના હારે મારા લગ્ન થયા!!! જાણે ક્યાં ભવના પાપ હશે મારા!!  હાય હાય હું હવે વાંઝણી રહીશ!!!,હું તો તારે કારણે નરકમાં જઈશ નરકમાં ” કિશોરે એને ઘણી સમજાવી. ઘણાં કાલાવાલા કર્યા. માફી માંગી પણ વાત હવે બગડી ચુકી હતી.
                 “ હું ભગવાન ના સોગંદ ખાઈને કહું છું કે જો પેલાં મને આ વાતની ખબર હોત ને તો હું લગ્ન ના કરત. હું સાવ નિર્દોષ છું ,મારા હાથની આ વાત નથી “ અને ઝગડો વધી પડ્યો. નંદિતાના પાપાએ પણ ના કહેવાના શબ્દો કહ્યા. પછી તો બને ચાર મહિના જુદા રહ્યા. વશરામ આતા અને મધુએ પણ સમાધાન માટે પ્રયત્નો કરી જોયા, કિશોર ગામડે આવતો રહ્યો. મધુ અને ઓતીએ આશ્વાસન આપ્યું. એવામાં વકીલની નોટીસ આવી ને આ કુટુંબ સાવ અવાચક જ થઇ ગયું. કિશોર ગળીને પાતળી સળી જેવો થઇ ગયો શરીર લેવાઈ ગયું. વશરામ આતાએ અને મધુએ વેવાઈને હાથ પગ જોડીને પગે પડીને  છેલ્લે આ સમસ્યાનું સમાધાન કર્યું. મારી દીકરીના ત્રણ વરસ બગાડ્યા છે એટલે પૈસા તો થાશેજ એમ કહીને ચતુરભાઈએ  છેવટે ત્રણ લાખ રૂપિયા લઈને પોતાની દીકરી નંદિતાનું છુટ્ટું કર્યું. અને એક મહિનામાં એક વેપારી સાથે અમદાવાદ પરણાવી પણ દીધી. ખર્ચ તો બીજો કઈ હતો નહિ. નંદિતાનો જે કરિયાવર હતો એ ફક્ત ટ્રાન્સફર કરવાનો હતો , ઉપરાંત નવા વેવાઈ પાસેથી ખાનગીમાં ત્રણ લાખ લીધા હતાં આમ નંદિતા એનાં માટે શુકનિયાળ સાબિત થઇ હતી.
                               વશરામ આતા હવે રામજીમંદિરે બેસવા નહોતા જતાં ઘરે ને ઘરે હોય,!!બેય ભાઈ વાડીએ જતાં રહે  તે સાંજે આવે. ઓતી અને તેનાં બેય છોકરા ઘરે હોય સાંજે કિશોર આવે એટલે બેય છોકરા “કાકા આવ્યાં કાકા આવ્યાં” એમ કહીને વળગી પડે!! ખાઈ પીને બેય છોકરા કિશોર કાકા સાથે જ હોય. આશિષ તો હજુ નાનો હતો પણ ક્યારેક ચિરાગ પૂછતો.
                  “કાકા કાકી ક્યારે આવશે,?? એને તમે તેડવા જાવને તો કહી દેજો હવે અમે તોફાન નહિ કરીએ અને ચોકલેટ પણ નહિ માંગીએ” અને કિશોર કશું ના બોલતો. મનમાં ને મનમાં ડૂમો ભરાઈ જતો હતો .એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી .ક્યારેક વળી ચિરાગ વારંવાર પૂછે ત્યારે એ એટલું બોલે.
               “બેટા અમુક વસ્તુ જવા માટે જ આવતી હોય છે!!” પણ હવે ચિરાગ અને આશિષ પણ કશું બોલતાં નથી.કદાચ વધતી ઉમરને કારણે એને પણ બધું સમજાઈ ગયું.
                         સમય વીતતો ચાલ્યો. ખેતીમાં પણ કસ દેખાણો અને હવે તો મધુ અને કિશોર બે ય ભાઈઓ ચોંટી પડ્યા જમીનમાં ઉંધે કાંધ અને ધીમે ધીમે ધરતીમાંથી સોનું પાકવા લાગ્યું. ચિરાગ અને આશિષ મોટા થયા.સ ચિરાગ તો કોલેજ કરવા બહાર પણ ગયો.પણ જયારે આવે ત્યારે કાકા કાકા કરતો હોય. અને છેવટે ચિરાગ ને અમદાવાદમાં એક કંપનીમાં નોકરી મળી ગઈ અને વરસ દિવસ પછી એનાં લગ્ન પણ થઇ ગયાં.લગ્ન પછી ચિરાગ અમદાવાદ રહેવાનો હતો, આગલી સાંજે બધાં બેઠા હતાં અને ચિરાગે ધડાકો કર્યો.
                      “મને અને નિશાને અમદાવાદ એકલું એકલું લાગશે, એમ કરું તો મારી સાથે કિશોર કાકા આવે તો કેવી મજા પડે, કાકા તમે મારી સાથે જ ચાલો” મધુ અને ઓતી પણ ખુશ થયા. પણ કિશોર ના માન્યો. એ કહે મને તો હવે મારી વાડી ભલી અને ભલું મારું ગામ. પણ જ્યારે ઓતીએ પહેલી વાર એને કીધું કે હું કહું છું કે તમારે જવાનું છે ,હા પછી ના ફાવે તો આવતાં રેજો. અને કિશોર ગયો ચિરાગ સાથે અમદાવાદ. ચિરાગને કંપની તરફથી મોટું મકાન મળ્યું હતું. આગળ પાછળ ખુલ્લી જગ્યા અને પુષ્કળ વ્રુક્ષો!! કિશોર તો મોટે ભાગે ઝાડના છાંયે હોય, કાઈના કાઈ વાંચ્યા કરે ચિરાગ સાંજે છ વાગ્યે આવે અને કાકા સાથે વાતો કરે. એક દિવસ કિશોર અને નિશા બને કંપનીના એક ફંકશનમાં સાથે ગયાં. ફંક્શન એક મહિલા વિકાસ કેન્દ્રમાં રાખેલ હતું .કંપની આ સંસ્થાને મોટું દાન આપવાં જઈ રહી હતી. સંસ્થા તરછોડાયેલી સ્ત્રીઓના વિકાસ માટે ઉમદા કાર્ય કરી રહી હતી. ચિરાગ અને કંપનીના માણસો સ્ટેજ પર ગોઠવાયા અને ફંકશનમાં બેઠેલ એક મોટી ઉમરની સ્ત્રી જોઇને ચિરાગની આંખો ચાર થઇ ગઈ, કાર્યક્રમ પૂરો થઇ ગયાં પછી સંસ્થાના મહિલા વ્યવસ્થાપકને કિશોરે એ સ્ત્રી વિષે પૂછ્યું.
                   “એ બહું જ દુઃખી બાઈ છે,પાંચ વરસ પહેલાં અમે એને સાબરમતીમાંથી બચાવી લીધી છે. એનો ધણી એને ખુબ જ મારતો, બાઈના પેટમાં જયારે બાળક હતું ત્યારે એને એનાં ધણીએ દારુ પીને ઢોરમાર માર્યો,પરિણામે બાળક અંદર જ મરી ગયું અને હવે એ મા બને એમ જ નથી. પછી તો બે વરસ માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. એનાં ધણીએ એને કાઢી મૂકી, એનો સગો બાપ એને લઈને જતો હતો પણ એણેય એને બસ સ્ટેન્ડ પર છોડીને એકલો જતો રહ્યો. એક મહિલા કોન્સ્ટેબલે મને વાત કરી અને એને હું લઇ આવી છું. હવે એને સારું છે પણ ક્યારેક કલાકો સુધી રોતી હોય છે” મહિલા વ્યવસ્થાપકે વાત કરી અને ચિરાગની આંખોમાં આંસુ હતાં. પછી થોડી વાતચીત થઇ અને ચિરાગ અને નિશા  એ સ્ત્રીને મળવા ગયા .સાથે પેલાં બહેન પણ હતાં. સફેદ સાડલામાં એ સ્ત્રી એક ખુરશી પર બેઠી હતી.
                “તમને કોઈ મળવા આવ્યું છે” ખુરશી પર બેઠેલી સ્ત્રીએ ચિરાગ સામે જોયું. આંખમાં કોઈ પરિચિતપણું ના દેખાયું. બે હાથ જોડીને એ એટલું જ બોલી.
                 “મેં તમને ઓળખ્યા નહિ ભાઈ”
                 “નંદુ  કાકી ચોકલેટ આપોને, કાકી ચોકલેટ લઇ દયોને !!“ અને આ સાંભળતા એક ઝટકો લાગ્યો હોય એમ નંદિતા ખુરશીમાંથી ઉભી થઇ ગઈ!! આંખમાંથી અશ્રુધારા શરુ થઇ ગઈ અને ચિરાગ પણ નીચે બેસી ગયો હતો ફલોર પર ચિરાગે બે હાથ જોડ્યા. નિશા એની પાસે ગઈ. પોતાના રૂમાલથી એણે કાકીના આંસુ લુંછ્યા. ચિરાગ બોલ્યાં.
                 “નંદુ કાકી ઘરે ચાલો , તમારી વગર મને કોઈ ખીજાતું નથી કાકી,!! કાકી ઘરે ચાલો”
                “ના દીકરા, બસ હવે બધું જ ભોગવી લેવા દે દીકરા, આ પાપ આ ભવમાં પૂરું નહિ થાય એમ લાગે છે” બોલતી વખતે નંદિતાનું શરીર ધ્રુજતું હતું. નિશા એને એને આશ્વાસન આપી રહી હતી. આશરે એક કલાક સુધીની સમજાવટ પછી ચિરાગ નંદિતાને પોતાની સાથે રહેવા સમજાવી શક્યો. પોતાની કારમાં બેસારી એ પોતાના રહેઠાણ સુધી લાવ્યો. પણ ત્યાં નંદિતાના પગ જડાઈ ગયાં.
                “બેટા ચિરાગ ,તારા કાકા પાસે જવાની હિંમત નથી ચાલતી , કયા મોઢે એની સામે જાવું દીકરા?” જવાબમાં નિશાએ એનો હાથ પકડીને કહ્યું તમે એક વાર સાથે ચાલો તો ખરા. દરવાજો ખુલ્યો .એક વ્રુક્ષની નીચે કિશોર ખાટલો ઢાળીને સુતો હતો. ત્યાં સહુ પહોંચ્યા. કિશોરને જગાડ્યો.
                “કાકા કાકીને લાવ્યો છું, હવે તો ખુશને ??“ અને ફાટી આંખે કિશોર જોઈ રહ્યો,સામે રડતી નંદિતા ઉભી હતી. હાથ જોડીને નંદિતા ઉભી હતી. કિશોર અવળું ફરીને બોલ્યો.
               “હવે એનું આહી શું કામ છે?? ,હજુ પણ બાકી રહી ગયું છે કે શું” ??
               “ હા હજુ ઘણું બાકી છે કાકા તમારું પાકીટ લાવો તો” એમ કહીને ચિરાગે કિશોરના પેન્ટમાંથી પાકીટ કાઢ્યું અને અંદર થી એક જુનો ફોટો કાઢ્યો!! નંદિતાનો ફોટો હતો!! નંદિતાએ આપેલ એ પહેલો ફોટો હતો!! અને ચિરાગ બોલ્યો.
                “નાનો હતો ત્યારથી જોવ છું તમને, તમારી સાથે જ સુતોને  ,કાકીના ગયાં પછી રાતે તમે આ ફોટા સામે જોઇને ખુબ જ રડ્યા છો!! તમને નહોતી ખબર પણ હું તમને રડતા જોઈ ગયેલો છું ઘણી વાર!! હજુ પણ તમે દિવસમાં આ ફોટો કેટલી વાર જુઓ છો કાકા સાચું બોલજો!??! ઘણું બાકી છે કાકા!! એમ ડાંગે માર્યા પાણી જુદા ના પડે કાકા!! બોલો કાકા બોલો !! “ કાકા તો કશું ના બોલ્યાં પણ એ ફોટો જોઇને નંદિતા કાકાના પગમાં જ પડી ગઈ. એનાં ગરમ ગરમ આંસુથી કિશોરના પગની આંગળીઓ પલળી ગઈ. કિશોરે એને ઉભી કરી ને માથે હાથ ફેરવ્યો.!! ફરી એક વખત ઘરમાં ખુશીઓ આવી હતી ,કિશોરની આંખોમાં વરસો પછી એક ચમક આવી હતી.!!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨,શિવમ પાર્ક સોસાયટી
ઢસાગામ ,તા.ગઢડા ડી.બોટાદ પીન ૩૬૪૭૩૦

10 comments: